અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન ભારત પહોંચ્યા: પણ ધ્વજ બાબતે અધિકારીઓ મુંઝવણમાં

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી (Amir Khan Muttaqi) એક અઠવાડિયાની ભારત મુલાકાતે આવ્યા છે. તાજેતરમાં યુએન સિક્યોરિટી કાઉન્સિલે તેમને મુસાફરી છૂટ આપી હતી. વર્ષ 2021માં અફગાનિસ્તાનમાં તાલીબાન સરકાર સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનના કોઈ પ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત છે.
તેમની યાત્રા દરમિયાન અમીર ખાન મુત્તાકી ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને મળે તેવી શક્યતા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મુત્તાકીનું સ્વાગત કર્યું. જયસ્વાલે સોશિયલ મીડિયા પર લખ્યું, “અમે તેમની સાથે દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ.”
આ પણ વાંચો: યુએસ સેના ફરી અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરશે! ટ્રમ્પે તાલિબાન સરકારને કેમ આપી ધમકી?
અફઘાનીસ્તાના ધ્વજ અંગે મુંઝવણ:
મુત્તાકી મુલાકાત દરમિયાન અફઘાનીસ્તાનનો કયો ધ્વજ દર્શાવવો એ અંગે ભારતીય અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે. રાજદ્વારી પ્રોટોકોલ મુજબ ફોટો લેતી વખતે ભારતનો રાષ્ટ્ર ધ્વજ મુલાકાતે આવેલા નેતાના દેશના ધ્વજની સાથે ટેબલ અથવા પછાળની બાજુ દર્શાવવો જોઈએ.
નોંધનીય છે કે ભારતે હજુ સુધી અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસનને માન્યતા આપી નથી. તેથી ભારત તાલિબાનના ધ્વજને સત્તાવાર માન્યતા આપતું નથી. ભારતે નવી દિલ્હી સ્થિત અફઘાન દૂતાવાસમાં પણ તાલીબાનનો ધ્વજ લહેરાવવાની મંજૂરી આપી નથી. દૂતાવાસમાં હજુ પણ ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનનો જૂનો ધ્વજ લહેરાવવમાં આવે છે.
તાલીબાનના ધ્વજમાં સફેદ રંગના કપડા પર ઇસ્લામની ઘોષણા ‘શહાદા’ ના શબ્દો કાળા રંગથી લાગવામાં આવે છે. અગાઉ વિદેશમાં ભારતીય અધિકારીઓ અને મુત્તાકી વચ્ચે થયેલી બેઠક દરમિયાન, તાલિબાન ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં દુબઈમાં મુત્તાકી અને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની મુલાકાત દરમિયાન કોઈ પણ ધ્વજ રાખવમાં આવ્યો ન હતો. પરંતુ આ વખતે મુત્તાકી ભારતમાં છે ત્યારે અધિકારીઓ માટે હજુ પણ ધ્વજ અંગે મુંજવણમાં છે.
ભારત અને અફઘાનિસ્તાન ઐતિહાસિક રીતે મિત્ર દેશો રહ્યા છે, પરંતુ 2021 માં તાલીબાને સત્તા સાંભળ્યા બાદ ભારતે કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. એક વર્ષ પછી વેપાર, તબીબી સહાય અને માનવતાવાદી સહાયની સુવિધા ભારતે કાબુલમાં એક મિશન શરુ કર્યું હતું.