તાલિબાન સુધારી રહ્યું છે ભારત સાથેના સંબંધો: મુંબઈમાં નિયુક્ત કર્યા રાજદૂત…
નવી દિલ્હી: શું ભારત અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના સંબંધો સુધર્યા છે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો છે કારણ કે તાલિબાને ઇકરામુદ્દીન કામિલને મુંબઈમાં તેના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. ભારતમાં તાલિબાન સરકારની આ પ્રકારની પ્રથમ નિમણૂક છે. ભારતે આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ તાલિબાન નિયંત્રિત મીડિયાએ ઇકરામુદ્દીન જવાબદારી સોંપવામાં આવી હોવાની વાત કરી છે. અહેવાલ અનુસાર કામિલ હાલ મુંબઈમાં છે અને રાજદૂત તરીકેની સેવાઓ સંભાળશે.
આ પણ વાંચો : રિઝર્વેશનની ટિકિટ Waitingમાં કઈ રીતે જઈ શકે, જાણો રેલવેએ શું આપ્યો જવાબ
તાલિબાનના નાયબ વિદેશ પ્રધાને આપી માહિતી:
તાલિબાનના સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકૂબ ગયા અઠવાડિયે જ ભારતીય પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન જ કદાચ આ નિર્ણય પર સહમતિ સાધવામાં આવી હોય શકે છે. તાલિબાન નિયંત્રિત ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઇકરામુદ્દીન કામિલ મુંબઈમાં ઇસ્લામિક અમીરાતના રાજદૂત હશે. કામિલે આંતરરાષ્ટ્રીય કાયદામાં પીએચડી કરેલી છે અને અગાઉ વિદેશ મંત્રાલયમાં સુરક્ષા સહકાર અને સરહદી બાબતો વિભાગની ફરજો બજાવી ચૂક્યા છે. તાલિબાનના નાયબ વિદેશ પ્રધાન શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝાઈએ પણ કામિલની નિમણૂક અંગે માહિતી આપતા X પર પોસ્ટ કરી છે.
ભારતની યુનિ. એ આપી હતી સ્કોલરશીપ:
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કામિલને ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ તરફથી સ્કોલરશિપ પણ મળી હતી. તેને આ શિષ્યવૃત્તિ સાઉથ એશિયન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આપવામાં આવી હતી. સાર્ક દેશો દ્વારા સંચાલિત આ યુનિવર્સિટી દિલ્હીમાં આવેલી છે. કામિલની નિમણૂકથી ભારતમાં રાજકીય સ્ટાફની અછત પણ પૂરી થશે કારણ કે તેઓ ઘણા વર્ષો સુધી ભારતમાં રહી ચૂક્યા છે. હકીકતમાં, અગાઉની અશરફ ગની સરકાર દરમિયાન ભારતથી મોટાભાગના રાજદ્વારીઓને બોલાવી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Mukesh Ambani આ રાજ્યમાં કરશે 65,000 કરોડનું રોકાણ, રોજગારીની તકો વધશે
સબંધોમાં સુધારો:
હવે કામિલના આગમન સાથે સંબંધોની નવી શરૂઆત થવાની અપેક્ષા છે. પૂર્વ રાજદૂત ફરીદને તાલિબાન સરકારે 2023માં ભારતથી પાછા બોલાવી લીધા હતા. તે સમયે તાલિબાને કહ્યું હતું કે ભારત સરકાર તરફથી કોઈ સહયોગ નથી મળી રહ્યો. જોકે હવે તાલિબાન સાથે વાતચીતની પ્રક્રિયા જોવા મળી રહી છે. તાલિબાનના પાકિસ્તાન સાથે બગડી રહેલા સબંધો વચ્ચે ભારત સાથે તેના સુધરી રહેલા સબંધો મહત્વના સાબિત થઈ શકે છે.