દિલ્હી હાઇ કોર્ટમાં અરજી, તાજમહેલ શાહજહાંએ બાંધ્યો ન હતો પરંતુ…..

નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું નથી આથી ઇતિહાસના પુસ્તકોમાં સુધારો કરવામાં આવે.
જે એનજીઓ હિન્દુ સેના એસ.ના પ્રમુખ સુરજીત સિંહ યાદવે દિલ્હી હાઇ કોર્ટમાં ઉરજી દાખલ કરી હતી કે રાજા માનસિંહના મહેલને તોડીને તે જ જગ્યાએ તાજમહેલ બનાવવામાં આવ્યો છે. તેમજ અરજદાર યાદવે જણાવ્યું હતું કે તાજમહેલની ઉંમરનો તકાજો કાઢવામાં આવે જેથી કરીને ખબર પડે કે અગાઉ અહી મહેલ હતો કે નહી.
આ ઉપરાંત તેમણે 1632થી 1638 દરમિયાન શાહજહાં દ્વારા જીર્ણોદ્ધાર કરાયેલ રાજા માન સિંહના મહેલનો સાચો ઈતિહાસ પ્રકાશિત કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માંગ પણ કરવામાં આવી છે. સુરજીત સિંહે દાવો કર્યો હતો કે અબ્દુલ હમીદ લાહોરી અને કાઝવીની દ્વારા લખાયેલ પાદશાહનામા નામના પુસ્તકમાંથી ઉપરોક્ત હકીકતો મેળવી શકાય છે. ખાસ બાબત તો એ છે કે પાદશાહનામા અથવા બાદશાહનામા એ મુઘલ સમ્રાટ શાહજહાં એકના શાસનકાળના સત્તાવાર ઇતિહાસ તરીકે લખાયેલો છે.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ASIએ પોતાની વેબસાઈટ પર ખોટી માહિતી આપી છે કે તાજમહેલનું નિર્માણ પૂર્ણ કરવામાં લગભગ 17 વર્ષનો સમય લાગ્યો હતો. યાદવે દાવો કર્યો છે કે મુમતાઝ મહેલની કબર લગભગ 1638 સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. આથી ઐતિહાસિક તથ્યનો પ્રચાર કરવામાં આવે છે કે તાજમહેલને બનાવવામાં 17 વર્ષ લાગ્યા હતા તે બાબત ખોટી છે.