માતાને શોધવા છેક સ્વિત્ઝર્લેન્ડથી મુંબઇ આવી આ મહિલા, એક દાયકાથી ચલાવી રહી છે તપાસ

સ્વિસ મહિલા વિદ્યા ફિલિપોન છેલ્લા એક દાયકાથી તેની જન્મદાત્રીની મુંબઇમાં શોધ ચલાવી રહી છે. પોતાની માતાના ફક્ત નામ અને સરનામાના આધારે વિદ્યા તેની ભાળ મેળવવાના પ્રયાસો કરી રહી છે, નામ-સરનામા સિવાય અન્ય કોઇ માહિતી તેની પાસે નથી.
વિદ્યા ફિલિપોનનો જન્મ 8 ફેબ્રુઆરી 1996ના રોજ થયો હતો, તેના જન્મની સાથે જ તેની માતાએ મિશનરીઝ ઓફ ચેરિટીમાં મુકી તેને તરછોડી દીધી હતી. ત્યાંથી વર્ષ 1997માં એક સ્વિસ દંપતિએ તેને દત્તક લીધી હતી અને તેને સ્વિત્ઝરલેન્ડ લઇ જવાઇ હતી.
વર્ષો બાદ વિદ્યાને તેના અસલ માતાપિતાને શોધવાની ઇચ્છા થઇ, જેને પગલે તેણે મિશનરીઝ ઓફ ચેરિટીનો સંપર્ક કર્યો. મુંબઇના વિલેપાર્લે સ્થિત મધર ટેરેસાની મિશનરીઝ ઓફ ચેરિટીઝમાં તેને તેની માતા મુકી ગઇ હતી. તે રાવલપાડા, દહીંસર અને મુંબઇમાં પોતાના મૂળિયા શોધી રહી છે.
તેને માહિતી મળી હતી કે કદાચ તેની માતા દહિંસર રહે છે, પરંતુ તે સરનામું અસ્તિત્વમાં નથી. પરંતુ ફિલિપોનને આશા છે કે એક દિવસ તે તેની માતાને શોધી લેશે. એડોપ્ટી રાઇટ્સ કાઉન્સિલના નિદેશક, એડવોકેટ અંજલિ પવાર વિદ્યાને તેની માતાને શોધવામાં મદદ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મિશનરી ચેરિટી દ્વારા જે સરનામું મળ્યું છે એ દહીંસર વિસ્તારનું છે, અમે તપાસ ચલાવી પરંતુ આટલી માહિતી પૂરતી નથી. આ એક ઝડપથી આગળ વધી જતું શહેર છે અને લોકો અહીં સ્થાંનાંતરિત થયે રાખે છે. અમે અમુક સામાજીક કાર્યકર્તાઓની પણ મદદ લીધી જેના પરથી વિદ્યાના અસલ પરિવારની થોડી ઘણી માહિતી મળી હતી. પરિવારનું ઉપનામ ‘કાંબલી’ હતું એટલું જાણવા મળ્યું છે, તેમ અંજલિએ જણાવ્યું હતું.