Swiggy ને ફટકારાયો રૂપિયા 35,000 નો દંડ, જાણો કારણ
હૈદરાબાદ: ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગીને(Swiggy fined)ડિલિવરી માટેનું અંતર ખોટી રીતે વધારીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવા બદલ રૂપિયા 35,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગે સ્વિગીને હૈદરાબાદ સ્થિત એક વ્યક્તિને નુકસાની સાથે રૂપિયા 35,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેણે કંપની વિરુદ્ધ આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.
ડિલિવરી ડિસ્ટન્સ તરીકે રૂપિયા 103 ચાર્જ કર્યા હતા
આ સમગ્ર ઘટનાની વિગત હૈદરાબાદના રહેવાસી એમ્માડી સુરેશ બાબુએ સ્વિગી વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી . સુરેશ બાબુએ દાવો કર્યો હતો કે તેણે સ્વિગી વનની મેમ્બરશિપ ખરીદી હતી. જે મુજબ તે ચોક્કસ અંતરમાં ફ્રી ડિલિવરીનો હકદાર હતો. જો કે જ્યારે તેણે 1 નવેમ્બર 2023ના રોજ સ્વિગીમાંથી ફૂડનો ઓર્ડર આપ્યો ત્યારે પ્લેટફોર્મે તેના ઘર અને રેસ્ટોરન્ટ વચ્ચેનું અંતર 9.7 કિમીથી વધારીને 14 કિમી કરી દીધું. આ પછી સ્વિગીએ તેની પાસેથી ડિલિવરી ડિસ્ટન્સ તરીકે રૂપિયા 103 ચાર્જ કર્યા હતા.
સ્વિગીએ ખોટી રીતે ડિલિવરીનું અંતર વધાર્યું
ત્યારે કોર્ટે સ્વિગી વિરુદ્ધ આ નિર્ણય લીધો હતો. કોર્ટે બાબુ દ્વારા દર્શાવવામાં આવેલા પુરાવાઓની સમીક્ષા કરી હતી. જેમાં ગૂગલ મેપ્સના સ્ક્રીનશૉટ્સ પણ સામેલ હતા અને પછી નિષ્કર્ષ પર આવ્યા હતા કે સ્વિગીએ ખોટી રીતે ડિલિવરીનું અંતર વધાર્યું હતું.
રૂપિયા 103 પરત કરવાનો આદેશ
આ સુનાવણીમાં સ્વિગીની ગેરહાજરીને કારણે કોર્ટની કાર્યવાહી એક પક્ષીય રહી હતી. તેલંગાણામાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે સ્વિગીને બાબુ દ્વારા 350.48 રૂપિયાના ફૂડ ઓર્ડર માટે 9 ટકા વ્યાજ સાથે ચૂકવેલ રકમ પરત કરવાનો આદેશ આપ્યો હતો. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મને ડિલિવરી ચાર્જ તરીકે વસૂલવામાં આવેલા રૂપિયા 103 પરત આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ગ્રાહક કલ્યાણ ફંડમાં 25,000 રૂપિયા જમા કરાવવા આદેશ
આ સિવાય સ્વિગીને માનસિક તકલીફ અને અસુવિધા માટે સુરેશ બાબુને 5000 રૂપિયા આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. સ્વિગી વનના સભ્યો માટે અંતર વધારવાનું બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વધુમાં, સ્વિગીએ રંગા રેડ્ડી ડિસ્ટ્રિક્ટ કમિશનના ગ્રાહક કલ્યાણ ફંડમાં દંડાત્મક નુકસાની તરીકે રૂપિયા 25,000 જમા કરાવવાના રહેશે.