‘સ્વિગી’ અને ‘ઝોમેટો’ને GST ન ભરતા 750 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

પ્રખ્યાત ફૂડ ડિલીવરી એપ ‘સ્વિગી’ અને ‘ઝોમેટો’ને GST ન ભરવાને કારણે GST વિભાગે અધધધ..750 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઝોમેટોને 400 કરોડ રૂપિયાનો જ્યારે સ્વિગીને 350 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બંને કંપનીઓએ જુલાઇ 2017થી જીએસટી ભર્યો નથી. ડિલીવરી સેવાનો પણ જીએસટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આથી બંને કંપનીઓએ તે માટે જીએસટી ચાર્જ સરકારને ભરવો પડે. હજુ સુધી બંને કંપનીઓએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી નથી.
Zomato જે એક લિસ્ટેડ કંપની છે. તેણે આ મહિનાની શરૂઆતમાં સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેની કમાણી જાહેર કરી હતી. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 36 કરોડ થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.251 કરોડની ચોખ્ખી ખોટ સામે હતો. કામગીરીમાંથી આવક વધીને રૂ. 2,848 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 1,661 કરોડની સરખામણીએ 72 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. ગુરૂવારે ઝોમેટોના શેરમાં મામૂલી ઘટાડા સાથે બંધ થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં તેમાં 8.29%નો ઘટાડો નોંધાયો છે.