સ્વાતિ માલીવાલે આ કારણે કેજરીવાલ સરકારને ફટકારી નોટિસ..
નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગ (DCW)એ આમ આદમી પાર્ટીની સરકારને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલિવાલે જણાવ્યું હતું કે રાજધાનીના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ્સના અભાવને કારણે અંધકાર છવાતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે.
સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે તેમણે શહેરના અમુક વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં લલિતા પાર્ક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચેક કરતા ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટલાઇટ્સ નહોતી, તેમજ સંપૂર્ણ અંધકાર છવાઇ ગયો હતો. જેને પગલે મહિલાઓની સુરક્ષા સામે જોખમ ઉભું થયું હતું. સ્વાતિ માલીવાલે સમગ્ર ઘટનાનું વર્ણન તેની X પોસ્ટ પર પણ કર્યું છે અને દિલ્હી સરકારને નોટિસ ફટકારવાનો પણ ઉલ્લેખ તેણે કર્યો હતો.
તેમણે એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું હતું કે તેમને આ અંગે કેટલીક મહિલાઓની ફરિયાદો મળી હતી, જેના આધારે એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાઓએ સ્ટ્રીટલાઇટ્સ તો છે, પરંતુ તે બંધ હાલતમાં છે, તેવું મહિલા આયોગ અધ્યક્ષે જણાવ્યું હતું.
“જો પરિસ્થિતિ આવી જ રીતે ચાલુ રહેશે, તો મહિલાઓ અને બાળકો કેવી રીતે સુરક્ષિત રહેશે? અમે યોગ્ય પગલા લેવાય તે માટે દિલ્હી સરકારને નોટિસ આપી રહ્યા છીએ અને તમામ બસ સ્ટોપ પર લાઇટ હોવી જોઈએ,” તેવું સ્વાતિ માલીવાલે તેની પોસ્ટમાં જણાવ્યું હતું.
માલીવાલે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઉત્પીડન સંબંધિત કાયદાઓને કડક બનાવવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેને અપીલ કરું છું કે દેશમાં મહિલાઓની સુરક્ષાને લગતા કાયદા કડક બનાવે, જો કોઇ મહિલાને હેરાનગતિ થાય તો તેને બક્ષવામાં ન આવે.” તેવી સ્વાતિ માલીવાલે અપીલ કરી હતી.