સ્વાતિ માલીવાલે પોલીસ સ્ટેશનમાં તુરંત ફરિયાદ કેમ ના નોંધાવી! સ્વાતીએ એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આવાસમાં કથિત રીતે થયેલી મારપીટના મુદ્દે દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. મારપીટના બનાવ બાદ સ્વાતીએ તુરંત પોલીસ ફરિયાદ કેમ ના નોંધાવીએ અંગે ઘણા સવાલો ઉભા થયા હતા. એક ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યુંમાં સ્વાતીએ પોલીસ ફરિયાદ નોંધવવામાં વિલંબ કરવા અંગે સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું કે તે પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ ઘણા લોકોના ફોન આવ્યા બાદ તે ડરી ગઈ હતી અને તેણે ઔપચારિક ફરિયાદ નોંધાવી ન હતી.
સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો છે કે 13 મેના રોજ તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, પરંતુ ઘટનાના ઘણા દિવસો બાદ તેણે વિભવ કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વાતિ માલીવાલે કહ્યું, “જ્યારે હું પોલીસ સ્ટેશનમાં હતી, ત્યારે મને મીડિયામાંથી ઘણા લોકોના ફોન આવ્યા હતા. જે ક્ષણે મને ઘણા બધા કૉલ્સ આવવા લાગ્યા, હું ડરી ગઈ. એક રાજકીય મુદ્દો નથી બનવા માંગતી, હું ત્યાંથી ઉઠી ઘરે આવી ગઈ. ત્યાર બાદ સંજય સિંહ મારા ઘરે આવ્યા.”
આ પણ વાંચો : Swati Maliwal: સ્વાતિ માલીવાલ પોલીગ્રાફ-નાર્કો ટેસ્ટ માટે તૈયાર, કહ્યું- મારું ચીર હરણ થયું છે
સ્વાતિએ કહ્યું, “મને સંજય સિંહનો પણ ફોન આવ્યો. તેણે મને કહ્યું – ‘જોઈશું, કંઈક કરીશું.’ હું ડરી ગઈ હતી અને તકલીફમાં હતી, એટલે ફરિયાદ નોંધાવા હું પોલીસ સ્ટેશનમાં ન રોકાઈ શકી. સંજય સિંહ મારા ઘરે મળવા આવ્યા હતા, તેઓ અરવિંદ કેજરીવાલના ઘરે પણ ગયા હતા.”
સંજય સિંહે 14 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે સ્વાતિ માલીવાલ સાથેની ઘટના નિંદનીય છે. દિલ્હી પોલીસ મિન્ટો રોડ પર આવેલા માલીવાલના ઘરે પણ ગઈ હતી. 15 મેના રોજ, જ્યારે આમ આદમી પાર્ટીએ સ્વીકાર્યું કે અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવ કુમારે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું છે, તે જ દિવસે સંજય સિંહ માલીવાલને મળવા આવ્યા હતા. દિલ્હી મહિલા આયોગના સભ્ય વંદના સિંહ પણ તેમની સાથે હતા.