નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) નિવાસસ્થાને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal Case) પર હુમલાના કેસમાં બિભવ કુમારની ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં સીએમ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ રવિવારે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જશે. જેને પગલે આમ આદમી પાર્ટીના(AAP) કાર્યકરોએ ભાજપ કાર્યાલય તરફ કુચ શરૂ કરી છે. જો કે પોલીસે ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પોલીસે કલમ 144 લાગુ કરી
આપ કાર્યકર્તાઓ દ્વારા ભાજપ હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શનને લઇને દિલ્હી સેન્ટ્રલ ડીસીપી એમ. હર્ષ વર્ધને કહ્યું, “અમે પૂરતી વ્યવસ્થા કરી છે, કલમ 144 લાગુ છે. અમે તેમને રોક્યા છે અને પરત જવા કહ્યું છે. તેમજ હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત છે.
આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે.
દિલ્હી સરકારના મંત્રી અને AAPના નેતા આતિશીએ કહ્યું, “ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને એક પછી એક જેલમાં નાખી રહ્યા છે. શા માટે? કારણ કે તેઓ અરવિંદ કેજરીવાલના કામથી ડરે છે. તેવો મફત વીજળી આપવા માટે સક્ષમ નથી, તે બાળકોને સારી શાળાઓ આપવામાં સક્ષમ નથી, તેથી જ તે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે.
જો ધરપકડ કરશે તો તે તેમની હાર હશે
જ્યારે સીએમ કેજરીવાલે કહ્યું કે મારા પીએની ધરપકડ કરવામાં આવી છે. આજે બધાની ધરપકડ કરો. મે જેલમાં બે વાર ગીતા વાંચી છે અને એકવાર રામાયણ વાંચી છે. અમે ભાજપ કાર્યાલય જઇશું અને અડધો કલાક બેસી રહીશું. જો ધરપકડ કરશે તો તે તેમની હાર હશે.
દિલ્હી પોલીસ કેજરીવાલના ઘરે પહોંચી હતી
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં એડિશનલ ડીસીપી અંજિતા ચેપ્યાલા, એસએચઓ સિવિલ લાઇન્સ સહિત દિલ્હી પોલીસની એક ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. આ કેસમાં દિલ્હી પોલીસે ગઈ કાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારની ધરપકડ કરી હતી.