સ્વાતિ માલીવાલ કેસઃ પોલીસે જપ્ત કર્યા સીસીટીવી અને ડીવીઆર
ઇમેજ ખરાબ કરવાનો આમ આદમી પાર્ટી (આપ)નો આરોપ
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસમાં દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ડીવીઆર જપ્ત કર્યા હતા. આમ આદમી પાર્ટીએ આ જાણકારી આપી હતી. આપ પાર્ટીએ પોલીસ પર ચૂંટણીમાં પાર્ટીની છબિ ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જેના પર દિલ્હી પોલીસે કોઇ પ્રતિક્રિયા આપી નથી.
માલીવાલે આરોપ લગાવ્યો હતો કે 13 મેના રોજ તેઓ અરવિંદ કેજરીવાલને મળવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગયા હતા ત્યારે કેજરીવાલના સહયોગી બિભવ કુમારે તેમના પર હુમલો કર્યો હતો. આપ પાર્ટીએ માલીવાલના તમામ આરોપોને ફગાવી દીધા હતા અને દાવો કર્યો હતો કે માલીવાલ અરવિંદ કેજરીવાલને ફસાવવા માટે બીજેપીના ઈશારે કામ કરી રહ્યા છે.
નોંધનીય છે કે આ કેસમાં આરોપી બિભવ કુમારની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. રવિવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે પોલીસે સીસીટીવી કેમેરાના ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકોર્ડર) જપ્ત કરી લીધા છે.
આ પણ વાંચો: Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ કેસને લઈને રાજકારણ ગરમાયું, AAPની ભાજપ હેડક્વાર્ટર સુધી કૂચ
તેમણે દાવો કર્યો કે ‘શનિવારે પોલીસે મુખ્ય ગેટ, બાઉન્ડ્રી વોલ પર લગાવેલા કેમેરાના ડીવીઆર જપ્ત કર્યા અને રવિવારે ઘરના અન્ય ભાગોમાં લગાવેલા કેમેરાના ડીવીઆર જપ્ત કર્યા હતા. પોલીસ એવી વાર્તાઓ ઘડી રહી છે કે સીસીટીવી (કેમેરા) ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવ્યા છે પરંતુ તેઓએ તેને પહેલેથી જ કબજે કરી લીધા છે.
ભારદ્વાજે કહ્યું હતું કે ‘સ્વાતિ માલીવાલે 13 મેના રોજ ફોન કર્યો હતો અને થોડી જ વારમાં આ મામલાની એફઆઈઆરની નકલ મીડિયામાં છવાઈ ગઈ હતી. આ મામલામાં એફઆઈઆર કલમ 354 (બી) હેઠળ નોંધવામાં આવી છે, જે એક સંવેદનશીલ કેસ છે જે એક મહિલા સાથે સંબંધિત છે. પરંતુ એફઆઈઆરને તમામ જગ્યાએ વાયરલ કરી દેવામાં આવી છે. જોકે, આરોપી વિભવ કુમાર અને આપ પાસે એફઆઈઆરની કોપી નથી. દિલ્હી પોલીસે માલીવાલની ફરિયાદ બાદ વિભવ કુમાર વિરુદ્ધ છેડતી અને હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે.
ભારદ્વાજે સીસીટીવી કેમેરાના ફૂટેજ ડિલીટ કરવાના આરોપનો જવાબ આપતા કહ્યું કે આ ઘટના ડ્રોઇંગ રૂમમાં બની હતી. સામાન્ય રીતે ત્યાં કોઈ કેમેરા લગાવતા નથી. મેં ક્યારેય સીસીટીવી કેમેરા જોયા નથી, જ્યારે કેમેરા નથી તો તેના ફૂટેજ કેવી રીતે ડીલીટ કરી શકાય? અને જો પોલીસે કંઈ જોયું હોત તો તેમણે મીડિયાને આપ્યું હોત. નોંધનીય છે કે દિલ્હીની સાત લોકસભા બેઠકો પર 25 મેના રોજ મતદાન થશે.