Swati Maliwal Assault Case: વિભવ કુમારે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી, હાઈકોર્ટના આદેશને પડકાર્યો

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર કથિત રીતે હુમલાનો આરોપી વિભવ કુમારે (Bibhav Kumar) જામીન માટે સુપ્રીમ કોર્ટ(Supreme court)નો સંપર્ક કર્યો છે. 12 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી વિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી હતી. વિભવે કુમારે હાઈકોર્ટના આદેશ સામે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી છે. 18 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ અનુપ કુમાર મેંદિરત્તાએ વિભવ કુમારની અરજી ફગાવી દીધી અને કહ્યું કે તેઓ મુખ્ય પ્રધાનના નજીકના સહયોગી રહ્યા છે, આવી સ્થિતિમાં તેમનો ઘણો પ્રભાવ છે અને તેમને રાહત આપવાનો કોઈ આધાર જણાતો નથી. ન્યાયાધીશે કહ્યું કે આરોપોની પ્રકૃતિ અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, અરજદારને જામીન પર મુક્ત કરી શકાય નહીં.
દિલ્હી પોલીસે વિભવ કુમારની 18 મેના રોજ ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ તરત જ સ્થાનિક કોર્ટે વિભવને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. વિભવ પર 13 મેના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. માલીવાલે આ મામલે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે. દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પર હુમલાની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો.
દરમિયાન, સ્થાનિક કોર્ટે વિભવ કુમારની ન્યાયિક કસ્ટડી 30 જુલાઈ સુધી લંબાવી દીધી છે. દિલ્હી પોલીસે કથિત ઘટનાના સંબંધમાં મુખ્ય આરોપી તરીકે વિભવ સામે તીસ હજારી કોર્ટ સમક્ષ ચાર્જશીટ પણ દાખલ કરી છે.