Swati Maliwal Assault Case: સીએમ હાઉસના CCTV ફૂટેજ ગાયબ, વિભવનો ફોન પણ ફોર્મેટ, જાણો શું છે કહ્યું સ્વાતિએ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હીના સીએમ હાઉસમાં કથિત રીતે થયેલી મારપીટના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે બિભવ કુમાર(Bibhav Kumar)ની ધરપકડ કરી છે અને દિલ્હીની તીસ હજારી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જાણકરી મુજબ વિભવ કુમારે તેનો ફોન ફોર્મેટ કરી દીધો છે. સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરવામાં આવી છે. ઘટના સમયેના સીસીટીવી ફૂટેજ બ્લેન્ક જોવા મળે છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમારે મુંબઈમાં તેમનો ફોન ફોર્મેટ કરી દીધો હતો. પોલીસનું કહેવું છે કે વિભવ ફોનનો પાસવર્ડ પણ નથી જણાવી રહ્યો. ડેટા રીકવર કરવા માટે ફોન નિષ્ણાતો પાસે મોકલવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે એમ પણ કહ્યું છે કે તેમને હજુ સુધી સીએમ હાઉસમાંથી CCTV DVR આપવામાં આવ્યું નથી. જેમાં કેમેરાનું રેકોર્ડિંગ સ્ટોર થાય છે. પોલીસે ડીવીઆર સુપરત કરવા માટે નોટિસ પણ બહાર પાડી છે.
અહેવાલ મુજબ જુનિયર એન્જિનિયર(JE) લેવલના અધિકારીઓને પણ સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી અને ડીવીઆરનું ઍક્સેસ નથી. સીએમ હાઉસમાં લાગેલા સીસીટીવી PWD હેઠળ છે. દિલ્હી પોલીસને જુનિયર એન્જિનિયર મારફતે માત્ર એક પેન ડ્રાઈવ મળી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે ઘટના સમયેના સીસીટીવી ફૂટેજ ગાયબ છે.
દિલ્હી પોલીસે વિભવના રિમાન્ડ લેતી વખતે કોર્ટને પણ આ જાણકારી આપી હતી. પોલીસને શંકા છે કે સીસીટીવી સાથે છેડછાડ કરવામાં આવી છે અને સીએમ હાઉસમાં પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અંગે સ્વાતિ માલીવાલે કહ્યું કે “વિડીયોનો લાંબો ભાગ એડિટ કરવામાં આવ્યો છે. જ્યારે હું સિક્યોરીટીને કહીને કંટાળી ગઈ ત્યાર બાદનો માત્ર 50 સેકન્ડનો વિડિયો બહાર પાડવામાં આવ્યો હતો… હવે ફોન ફોર્મેટ થઈ ગયો છે અને વિડિયો કાઢી નાખવામાં આવ્યો છે? સીસીટીવી કેમેરા ફૂટેજ પણ ગાયબ થઈ ગયા છે. આ ષડયંત્રની ચરમસીમા છે.”
દિલ્હી પોલીસે એવો પણ આરોપ લગાવ્યો છે કે વિભવે સીએમ હાઉસમાં પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે તેમના વકીલે કહ્યું કે તે સીએમ હાઉસ ગયો જ નથી.
દિલ્હી પોલીસનું કહેવું છે કે વિભવ કુમાર મોબાઈલ ફોનનો પાસવર્ડ આપવાનો ઈન્કાર કરી રહ્યો છે. મોબાઈલમાં ખામી હોવાનું જણાવી તેણે તેને મુંબઈમાં ફોન ફોર્મેટ કર્યો હતો. પોલીસે કોર્ટને કહ્યું કે મોબાઈલમાંથી ડીલીટ થયેલો ડેટા પાછો મેળવવા માટે મુંબઈ જવું પડશે.
દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વિભવ કુમારને પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.