‘સાડી પહેરેલી મહિલા જ ભારતની વડાપ્રધાન બની શકે…’ ઓવૈસીને સ્વામી રામભદ્રાચાર્યનો જવાબ…

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર રેલી દરમિયાન આપેલા એક નિવેદનને કારણે વિવાદ છેડાયો છે. તેમણે કહ્યું હતું કે એક દિવસ હિજાબ પહેરેલી મહિલા ભારતની વડાપ્રધાન બનશે, ભાજપ નેતાઓ ઓવૈસીના આ નિવેદનને વખોડી રહ્યા છે. સ્વામી રામભદ્રાચાર્યએ પણ ઓવૈસીને ફટકાર લાગાવી છે.
15 જાન્યુઆરીના રોજ યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણી માટે સોલાપુરમાં એક જાહેર રેલી દરમિયાન ઓવૈસીએ ભારત અને પાકિસ્તાનના બંધારણીય માળખાની તુલના કરતા કહ્યું હતું કે ભારતીય બંધારણ તમામ સમુદાયોને સમાન અધિકારો આપે છે. એક દિવસે હિજાબ પહેરેલી મહિલા ભારતના વડા પ્રધાન બનશે. ભલે તે દિવસે તેઓ જીવિત ન હોય, પરંતુ ભવિષ્યમાં આવું ચોક્કસ બનશે. પાકિસ્તાનનું બંધારણ એક જ સમુદાયને ટોચના બંધારણીય હોદ્દાઓ સુધી પહોંચવાની તક આપે છે, જ્યારે ભારતમાં આવા કોઈ નિયંત્રણો નથી.

હિમંતા સરમાનો ઓવૈસીને જવાબ:
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ઓવૈસના નિવેદનને વખોડતા કહ્યું કે, “કોઈપણ વ્યક્તિ ભારતનો વડા પ્રધાન બની શકે છે, બંધારણ બધાને છૂટ આપે છે. પરંતુ ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, એક હિન્દુ સભ્યતા છે, અને અમે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતનો વડા પ્રધાન હંમેશા હિન્દુ વ્યક્તિ જ હશે.”
સ્વામી રામભદ્રાચાર્યનો જવાબ:
સ્વામી રામભદ્રાચાર્યએ પણ ઓવૈસીના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું, “આ દુર્ભાગ્યપૂર્ણ છે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદ મળ્યું હતું. હામિદ અન્સારીને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતાં. તેમને બીજું શું જોઈએ છે?…તેઓ દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે. જો કોઈ મહિલા ભારતની વડાપ્રધાન બનશે, તે સાડી પહેરેલી જ મહિલા હશે.”



