‘જય શ્રી રામ’ નો નારો અસામાજિક તત્વો માટે ‘લાઇસન્સ’ બની ગયો છે! સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું

લખનઉ: ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અને અપની જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. શનિવારે એક નિવેદનમાં તેમણે કહ્યું કે “જય શ્રી રામ” નો નારો કેટલાક અસામાજિક તત્વો માટે અરાજકતા ફેલાવવા માટે લાઇસન્સ સમાન બની ગયો છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, “દેખીતી વાત છે કે આજે ધર્મના નામે દેશમાં નફરત ફેલાવવી, હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભેદભાવ ઉભો કરવો, હિન્દુઓ અને મુસ્લિમોના નામે દેશને વહેંચવાની સસ્તી રાજનીતિ કરવી એ કેટલાક લોકોનો શોખ બની ગયો છે. કેટલાક અસામાજિક તત્વો જય શ્રી રામ અને જય બજરંગ બલીના નારા લગાવીને મુસ્લિમ સમુદાય પર હુમલા કરે છે.”
આ ધર્મ નથી અધર્મ છે:
તાજેતરમાં બનેલ કેટલાક પ્રસંગો અંગે તેમણે કહ્યું, “પાવડા અને કોદાળી લઈને તેઓ મસ્જીદમાં પહોંચી જાય છે. કેટલાક ઘરો પર લાગેલા ધાર્મિક ધ્વજને ફાડીને ફેંકી દે છે. મુસ્લિમ સમુદાયની દુકાનો અને ઘરોને સળગાવી દે છે. તેમણે પોતાના આદર્શોને દાટી દેવાનું નક્કી કર્યું છે. મારું માનવું છે કે આ ધર્મ નથી; તેઓ ધર્મનું નામ લઇને અધર્મ આચરી રહ્યા છે, લોકોએ આવા ઘૃણાસ્પદ કૃત્યોથી બચવું જોઈએ.”
ભાજપે નિવેદનને વખોડ્યું:
ઉત્તર પ્રદેશના ભાજપ નેતા અને પરિવહન પ્રધાન દયાશંકર સિંહે સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમણે આ નિવેદનને ‘સનાતન વિરોધી’ ગણાવ્યું. તેમણે કહ્યું કે રાજકારણમાં સ્વામી પ્રસાદ મૌર્યની કોઈ ગણતરી નથી કરી રહ્યું, એટલે ચર્ચામાં આવવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે.
આપણ વાંચો: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ બાદ શ્રધ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ



