નેશનલ

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ તાલુકાના કોરલાઈ નજીક દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા સિક્યોરીટી એજન્સીઓ દોડતી (Suspicious boat near Korlai) થઇ ગઈ છે, આ બોટ પાકિસ્તાનથી આવી હોવાની શંકા છે, પોલીસે સ્થાનિક લોકોને સતર્ક રહેવા જાણ કરી છે.

નોંધનીય છે કે વર્ષ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર હુમલો કરવા આવેલા આતંકવાદીઓ બોટ મારફતે જ પાકિસ્તાનથી આવ્યા હતાં. હવે કોરલાઈના દરિયાકાંઠાથી લગભગ ત્રણ નોટિકલ માઈલ (લગભગ સાડા પાંચ કિલોમીટર) દૂર દરિયામાં શંકાસ્પદ બોટની હાજરીની જાણ થઇ હતી. અહેવાલ મુજબ આ બોટ પર પાકિસ્તાન સાથે સંબંધિત કેટલાક ચિન્હો જોવા મળ્યા છે.

એજન્સીઓ એલર્ટ પર:

રાયગઢ પોલીસ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ વિભાગ, રેપિડ રિસ્પોન્સ ટીમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, નેવી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તમામ એજન્સીના અધિકારીઓએ કોરલાઈ પહોંચી ગયા છે. રાયગઢ જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ આંચલ દલાલના નેતૃત્વમાં હેઠળ બોટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સિક્યોરીટી એજન્સીઓએ આ બોટને શંકાસ્પદ ગણાવી છે. એજન્સીના જણાવ્યા મુજબ આ બોટ રડારમાં પકડાઈ ગઈ છે, પણ ખરાબ હવામાનને કારણે હાલમાં આ બોટ સુધી પહોંચવું મુશ્કેલ છે. ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડની મદદથી બોટ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એજન્સીઓએ શંકા છે કે આ શંકાસ્પદ બોટ મારફતે કેટલાક શખ્સો પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશ્યા હોઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લાના સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે, નાગરિકોને પણ સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.

કોરલાઈ ગામના ભૂતપૂર્વ સરપંછે જણાવ્યું કે લગભગ 8.30 વાગ્યે પોલીસ અધિકારીઓએ તેમને ફોન કરીને જાણ કરી હતી કે દરિયામાં એક શંકાસ્પદ બોટ જોવા મળી છે. તેઓ ગ્રામજનો સાથે રાત્રે 2 થી 4 વાગ્યા સુધી ત્યાં રહ્યા. પરંતુ, સવારે 4 વાગ્યા પછી, બોટ ગાયબ થઈ ગઈ.

આ પણ વાંચો…પાકિસ્તાનમાં બળવાના એંધાણ, ઝરદારીને હટાવી આસીમ મુનીર બની શકે છે નવા રાષ્ટ્રપતિ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button