રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાના મુખ્ય રસ્તાઓ પર ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરાયા
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત મંદિર નગરના અગ્રણી રસ્તા પર આલીશાન સૂર્ય થીમ આધારિત ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ૩૦ ફૂટની ઉંચાઇ ધરાવતા દરેક થાંભલામાં એક સુશોભિત ભ્રમણકક્ષા છે, જેને રાત્રે પ્રગટાવવામાં આવતા સૂર્ય જેવા દેખાઇ છે.
ઉત્તર પ્રદેશ પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટના અયોધ્યા ડિવિઝનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રકારના ૪૦ થાંભલા ધરમ પાથ રોડ પર સ્થાપિત કરવામાં આવશે, જે નયા ઘાટ નજીક લત્તા મંગેશકર ચોકને અયોધ્યા બાયપાસ સાથે જોડે છે. પીડબ્લ્યુડી સહાયક એન્જિનિયર એ પી સિંહના જણાવ્યા અનુસાર નવા બંધાયેલા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક પહેલા આ સૂર્ય સ્તંભો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાંથી લગભગ ૨૦ લત્તા મંગેશકર ચોક પાસે હશે, જેમાં રસ્તાની દરેક બાજુએ ૧૦ થાંભલા હશે. લત્તા મંગેશકર ચોક પાસેના તમામ ૨૦ સૂર્ય સ્તંભ મંગળવાર સુધીમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર શહેરને ઐતિહાસિક દિવસ માટે શણગારવામાં આવી રહ્યું છે. અયોધ્યા ૨૨ જાન્યુઆરીએ ચમકી ઉઠશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી પ્રાણ પ્રતિષ્ઠા અને રામ લલ્લા મૂર્તિના અભિષેક સમારોહમાં ભાગ લેશે.