ગઇ કાલે શપથ લીધા અને આજે છોડવા માગે છે મંત્રી પદ, જાણો આ નેતા વિશે….
કેરળના ભાજપના પ્રથમ સાંસદ અને અભિનેતા સુરેશ ગોપીએ રવિવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. હવે તેઓ તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક પ્રાદેશિક ચેનલ સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તેમણે મંત્રી પદની માંગ કરી નથી અને આશા છે કે તેમને ટૂંક સમયમાં પદ પરથી મુક્ત કરવામાં આવશે.
મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા સુરેશ ગોપીએ કહ્યું હતું કે મેં ફિલ્મો સાઈન કરી છે અને મારે આ ફિલ્મો પૂરી કરવાની છે. સુરેશ ગોપીએ કહ્યું હતું કે, ‘હું થ્રિસુરના સાંસદ તરીકે સેવા આપીશ.’
નોંધનીય છે કે સુરેશ ગોપી થ્રિસુર સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા છે અને કેરળના પ્રથમ બીજેપી સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના ઉમેદવાર VS સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા હતા. સુરેશ ગોપીએ કહ્યું હતું કે, ‘મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી. મને આ પોસ્ટની જરૂર નથી. મને લાગે છે કે મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે.
ત્રિશૂરના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ, પણ મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવી છે.
જે થ્રિસુર બેઠક પરથી સુરેશ ગોપી જીત્યા હતા તે બેઠક છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી. સુરેશ ગોપી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા તે પહેલા રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ 2016માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 2022 સુધીનો હતો.
સુરેશ ગોપી મૂળ કેરળના અલપ્પુઝાના છે. તેમનો જન્મ 1958માં થયો હતો. તેમણે કોલ્લમમાંથી વિજ્ઞાન વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીમાં માસ્ટર કર્યું છે. સુરેશ ગોપીનો ફિલ્મો સાથે પણ સંબંધ છે. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. તેમને 1998માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સિવાય તેઓ લાંબા સમયથી ટીવી શો પણ હોસ્ટ કરી રહ્યા છે.
ચૂંટણીના મહાભારત બાદ ખિચડી સરકારમાં જ્યારે દરેક પક્ષ પોતાની માટે મલાઇદાર ખાતાની માગ કરી રહ્યા છે, તેવા સમયે સાંસદ સુરેશ ગોપીની મંત્રી પદ છોડવાની અને નિ સ્વાર્થભાવે લોકોની સેવા કરવાની માગ ખરેખર આનંદ આશ્ચર્ય ઉપજાવે છે.
Also Read –