નેશનલ

ભાજપ સાંસદ સુરેશ ગોપીએ રાજીનામું આપ્યાનો કર્યો ઇનકાર, કહ્યું કે….

કેરળના થ્રિસુરથી ભાજપના સાસંદ બનેલા સુરેશ ગોપીએ એવા અહેવાલોને ફગાવી દીધા છે કે તેઓ મંત્રી પદ છોડી રહ્યા છે. તેમણે રવિવારે જ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે કેટલાક મીડિયા પ્લેટફોર્મ એવા ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રીગણમાંથી રાજીનામું આપવા જઇ રહ્યો છું. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે તેમના સોશિયલ મીડિયા પર આ વાત જણાવી હતી.

સુરેશ ગોપી માટે એમ કહેવાતું હતું કે તેઓ કેબિનેટ પ્રધાન અથવા ઓછામાં ઓછા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય પ્રધાન પદની અપેક્ષા રાખતા હતા, પરંતુ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવતા તેઓ નારાજ છે. આ સિવાય કેટલીક ચેનલોમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સુરેશ ગોપી હાલમાં ફિલ્મોમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેઓ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી શકે તેમ નથી. સાંસદ તરીકે તેઓ તેમના વિસ્તારના લોકોની સેવા કરશે, પણ તેઓ મંત્રી પદ ઇચ્છતા નથી. જોકે, હવે સુરેશ ગોપીએ પોતે જ બંને પ્રકારની અફવાને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મંત્રીપદ પર ચાલુ રહેશે.
સુરેશ ગોપી કેરળ રાજ્યમાંથી જીતનારા ભાજપના પ્રથમ સાંસદ છે. તેમની સફળતાથી ભાજપે કેરળમાં ઇતિહાસ રચ્યો છે. ત્યાં કમળ ખીલ્યું છે.

સુરેશ ગોપી ઉપરાંત કેરળ ભાજપના અધ્યક્ષ કે. સુરેન્દ્ને પણ આવા અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે સુરેશ ગોપી મંત્રી પદ છોડવાના સમાચાર નકલી અને પાયાવિહોણા છે.

સુરેશ ગોપી લાંબા સમયથી એક્ટિંગની દુનિયામાં છે. તેમની જીતે ભાજપની આશાઓને પાંખ આપી છે, જે દાયકાઓથી કેરળમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. સુરેશ ગોપી થ્રિસુરમાં સીપીઆઇના ઉેદવારને 7000થી વધુ મતોથી હરાવી સાંસદ બન્યા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button