સુરતમાં કપાતર દીકરાએ 65 વર્ષની માતાને એક મહિનો ઘરમાં પૂરી, માનવતા થઈ શર્મસાર

સુરતઃ સુરતમાં સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વેલજા વિસ્તારમાં એક દીકરાએ પોતાની જ માતાને એક મહિના સુધી ઘરમાં કેદ કરીને પૂરી રાખી હતી. આ માતાને પેસેજમાં કેદીની જેમ પૂરી રાખતા ચકચાર મચી જવા પામી હતી. પાડોશીઓની સતર્કતા અને એક સેવાભાવી સંસ્થાની મદદથી વૃદ્ધ માતાને આખરે મુક્ત કરાવવામાં આવ્યાં હતાં. એક દીકરો પોતાની સગી માતા સાથે આવું પણ વર્તન કરી શકે છે તેનો કોઈ વિચાર પણ કરી શકે નહીં. પણ દીકરાએ માનવતાને નેવે મુકી દીધી હતી.
મહિના સુધી પડોશીઓ ભોજન આપતા
વેલજા વિસ્તારની શેરડીધામ સોસાયટીમાં રહેતા અને હીરાના કારખાનામાં કામ કરતા યોગેશ નામના શખસે પોતાની 65 વર્ષીય માતા હેમલતાબેનને છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ઘરના લોક મારીને પૂરી રાખ્યા હતા. આ દરમિયાન માતાની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી. માતા પોતાના જ દીકરીના ઘરમાં નરકસમાન જીવન જીવવા મજબૂર બન્યા હતા. જ્યારે આસપાસના પાડોશીઓને જાણ થઈ ત્યારે પાડોશીઓ ઘરની ગ્રીલમાંથી હેમલતાબેનને ભોજન અને પાણી આપતા હતા.
આ પણ વાંચો: સુરત ફરી થયું શર્મસાર: વિદ્યાર્થિનીની છેડતી કરનારો નરાધમ શિક્ષક પકડાયો
માતાએ કપાતર દીકરાનો પક્ષ લીધો
પાડોશીઓએ ‘વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ’ના ચેતનાબેન સાવલિયાને આ ઘટનાની જાણ કરી હતી. ચેતનાબેન સાવલિયાએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને માતાને આ કેદમાંથી મુક્ત કરાવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પણ હેમલતાબેન પોતાના દીકરા યોગેશ અને વહુનો પક્ષ લીધો અને કહ્યું કે, ‘ભલે દીકરો મને ભૂલી ગયો હોય, પણ હું તો મા છું, તેને માફ કરું છું.’ પોલીસની પૂછપરછ કરવામાં આવી ત્યારે દીકરીએ પણ લૂલો બચાવ કર્યો હતો.



