સુરતીલાલાઓના ખાવાપીવાના શોખ વિશે વડા પ્રધાનએ શું કહ્યું?
સુરતઃ સૂરતનું જમણ અને કાશીનું મરણ એવી કહેવત છે. સુરતીઓની ખાવાપીવાની અને મોજ કરવાની જીવનશૈલી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં ખાવાપીવાની વેરાયટી જેટલી મળે છે તેટલી લગભગ દેશમાં ક્યાંય મળતી નહીં હોય. આ શહેર જેટલુ તેના કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ માટે જાણીતું એટલું જ તેની ખાણીપીણી માટે જાણીતું છે. મસ્ત થઈ જીવતા સુરતીઓને એટલે જ સુરતીલાલા કહેવાય છે. આથી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણમાં સુરતીઓની આ લાક્ષણિકતાનો ઉલ્લેખ કરવાનું ચૂક્યા નહીં.
વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ માટે આવેલા મોદીએ પોતાના ભાષણમાં સુરતી સ્ટાઈલમાં કહ્યું કે હુરત એટલે હુરત. તેમણે સુરતના લોચાને પણ યાદ કર્યો. તેમણે જણાવ્યું કે સુરતીઓ કામમાં ક્યારેય લોચો મારે નહીં અને ખાવામાં ક્યારેય લોચો છોડે નહીં. તેમણે એમ પણ જણાવ્યું કે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાવાપીવાની દુકાનએ લાઈનમાં ઊભા રહેવાની ધીરજ પણ તેનામાં હોય છે.
વરસદમાં ઢીચણ જેટલા પાણી હોય તો પણ ભજીયા ખાવાના એટલે ખાવાના તેમ પણ તેમણે કહ્યું હતું. આ સાથે શરદ પૂનમ-ચંદીપડવાને દિવસે આખી દુનિયા ધાબા પર હોય, પરંતુ સુરતીઓ પરિવાર સાથે ઘારી ખાવા નીકળી પડતા હોય છે તેમ કહી તેમણે સુરતીઓની ખાણીપીણીની રીતભાતો વિશે હળવી શૈલીમાં વાત કરી હતી. મોટી જનમેદનીએ તેમની દરેક વાતને તાળીઓથી વધાવી હતી.
તેમણે સુરતના વખાણ કરતા એમ પણ કહ્યું કે શહેર પાસે ભવ્ય ભૂતકાળ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં સુરતમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમ અગાઉ તેમણે પંચતત્વ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી, સુરત ડાયમંડ બુર્સ અને સ્પાઇન-4ની ગ્રીન બિલ્ડિંગ નિહાળી હતી તથા મુલાકાતી બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. દિવસની શરૂઆતમાં મોદીએ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન પણ કર્યું હતું.