‘…એ વડાપ્રધાન મોદીની મહાનતા હતી’ સુપ્રિયા સુળેએ સંસદમાં વડાપ્રધાનના ભરપૂર વખાણ કર્યા

નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા સંસદના ચોમાસું સત્રમાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા થઇ રહી છે. આ ચર્ચા દરમિયાન નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી-શરદ પાવર જૂથ (NCP-SP)ના સાંસદ સુપ્રિયા સૂળેએ નીચલા ગૃહ લોકસભામાં આપેલું નિવેદન હાલ ખાસ ચર્ચામાં છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર અને ભાજપની ટીકા કરતા સુપ્રિયા સૂળેએ લોકસભામાં વડાપ્રધાન મોદીએના ભરપૂર વખાણ (Supriya Sule praise PM Modi) કર્યા હતાં.
સુપ્રિયા સુળેએ સોમવારે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, ઓપરેશન સિંદૂર પછી આતંકવાદ સામેની ભારતની લડાઈને દુનિયા સમક્ષ રજુ કરવા માટે વિદેશમાં ગયેલા પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ કરવા માટે વડાપ્રધાન મોદીએ વિપક્ષી નેતાઓ પર વિશ્વાસ મુક્યો એ તે તેમની “મહાનતા” હતી.
સુપ્રિયા સુળેએ કહ્યું કે મોટું મન રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે વિપક્ષી નેતાઓની નિમણૂક કરી હતી.
પ્રતિનિધિમંડળોની કમાન વિપક્ષી સાંસદોને સોંપાઈ:
નોંધનીય છે કે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતીય સશસ્ત્ર દળોએ 7 મે 2025ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) પર એર સ્ટ્રાઈક કરીને આતંવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, ત્યાર બાદ બંને દેશોની સેના વચ્ચે થોડા દિવસો સશસ્ત્ર સંઘર્ષ થયો હતો. આતંકવાદ સામે કાર્યવાહી મામલે ભારતનો પક્ષ દુનિયા સમક્ષ રજુ કરવા ભારત સરકારે સાત સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ કેટલાક દેશોમાં મોકલ્યા હતાં.
NCP-SPના સુપ્રિયા સુળે, કોંગ્રેસના શશિ થરૂર, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી જેવા વિપક્ષી સાંસદોને પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે ઇજિપ્ત, કતાર, ઇથોપિયા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી હતી.
‘એ વડાપ્રધાન મોદીની મહાનતા હતી’
સુપ્રિયા સુળેએ લોકસભામાં કહ્યું, “જ્યારે અમને કિરેન રિજિજુનો ફોન આવ્યો, ત્યારે તેમણે મને કહ્યું કે સુપ્રિયા, તમારે દેશ માટે 10 દિવસ આપવા પડશે… તે વડા પ્રધાનની મહાનતા હતી કે તેમણે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે વિપક્ષી નેતાઓમાં વિશ્વાસ દર્શાવ્યો.”
સાથે સાથે સુળેએ એ પણ સ્પષ્ટ કર્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારને સમર્થન આપવા માટે કોંગ્રેસ પાર્ટી સૌપ્રથમ આગળ આવી હતી. સુળે એ કહ્યું, “સર્વપક્ષીય બેઠકમાં, સૌ પહેલા કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે પાર્ટી અને સમગ્ર વિપક્ષ મોદીની સરકાર સાથે ઉભા રહેશે.”
આ પણ વાંચો….એસ. જયશંકરના જવાબ પર વિપક્ષનો હોબાળોઃ અમિત શાહે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું તમને બીજા દેશ પર ભરોસો…