સુપ્રિયા સુળે અને સંજય રાઉતે હિમંતા બિસ્વા સરમા પર વળતો પ્રહાર કર્યો
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના નિવેદન પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાંસદ સુપ્રિયા સુળેએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કારણ કે હિમંતા બિસ્વા સરમા મારા જેવો જ ડીએનએ ધરાવે છે, તેઓ મૂળ કોંગ્રેસના છે. તમે જાણો છો કે ભાજપ મહિલાઓનું કેવી રીતે અપમાન કરે છે.
સરમાએ અગાઉ કહ્યું હતું કે એવું લાગે છે કે શરદ પવાર તેમની પુત્રી સુપ્રિયા સુળેને હમાસ માટે લડવા ગાઝા મોકલશે. સુપ્રિયા સુળે સરમાને જવાબ આપતા વધુમાં કહ્યું, ‘મને હિમંતા બિસ્વા સરમા પાસેથી અપેક્ષાઓ હતી. મને આશ્ચર્ય થાય છે કે મહિલાઓ પ્રત્યે તેમના વલણમાં આવું પરિવર્તન કેવી રીતે આવ્યું, કદાચ તે ભાજપમાં જોડાયા બાદ આમ થયું. શરદ પવારે શું કહ્યું એ ભાજપ આઈટી સેલે ધ્યાનથી સાંભળવાની અને સમજવાની જરૂર છે. તેમનું સંપૂર્ણ નિવેદન સાંભળો, પછી કઈ કહો.’
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું, “આસામના મુખ્ય પ્રધાન જે પક્ષમાં છે તે હમાસથી ઓછું નથી. તેમણે પહેલા ઈતિહાસ વાંચવો અને સમજવો જોઈએ. જો તેઓ ભાજપમાં હોય તો તેમને પેલેસ્ટાઈન-ઈઝરાયેલ વિશે અગાઉથી જાણકારી હોવી જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે પીએમ અટલ બિહારી વાજપેયીએ શું ભૂમિકા ભજવી હતી’
મુંબઈમાં પાર્ટીના કાર્યકર્તાઓની સભાને સંબોધતા NCP ચીફ શરદ પવારે કહ્યું હતું કે, ‘ભારતના તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે જવાહરલાલ નેહરુ, રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીની ભૂમિકા પેલેસ્ટાઈનને મદદ કરવાની હતી. પ્રથમ વખત આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલને સમર્થન આપ્યું હતું.’
ઉલ્લેખનીય છે કે જ્યારે NCP નેતા શરદ પવારની ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની સ્થિતિ અંગેની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે આસામના મુખ્ય પ્રધાન સરમાએ જવાબ આપ્યો હતો કે, “મને લાગે છે કે શરદ પવાર સુપ્રિયા સુળેને હમાસ માટે લડવા ગાઝા મોકલી રહ્યા છે.”