40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ પણ બની શકશે ડોક્ટરઃ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
નવી દિલ્હીઃ જો કોઈ ઉમેદવાર 40 ટકાથી વધુ બોલવામાં અને ભાષા સમજવામાં અસમર્થ છે તો પણ તે ડોક્ટર બની શકે છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે કોઇ ઉમેદવારને ફક્ત 40 ટકાથી વધુ બોલવામાં અને ભાષાને સમજવાની દિવ્યાંગતા હોય તો મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નકારી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે માત્ર 40 ટકા વિકલાંગતા કોઈને એમબીબીએસમાં પ્રવેશ માટે અયોગ્ય બનાવી શકતી નથી
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી 40 ટકા સુધી દિવ્યાંગતા હોય તેવા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જસ્ટિસ બીઆર ગવઈ, અરવિંદ કુમાર અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે 40 ટકાની બેન્ચમાર્ક દિવ્યાંગતા હોય તેવા કોઇ વ્યક્તિને મેડિકલ એજ્યુકેશન લેવાથી રોકી શકાય નહી, જ્યાં સુધી ઉમેદવાર એમબીબીએસ કરવા માટે અસમર્થ હોવાનો નિષ્ણાત રિપોર્ટ ન આપે.
વાસ્તવમાં ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ 1997 હેઠળ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીને તબીબી શિક્ષણ લેવા પર પ્રતિબંધ છે.
આપણ વાંચો: 34,615 કરોડની છેતરપિંડી: ઉદ્યોગપતિ નવંદરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યો જવાબ
આ એક્ટને પડકારતાં ઓમકાર નામના વિદ્યાર્થીએ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી કરતા પહેલા જસ્ટિસ બીઆર ગવઈ, અરવિંદ કુમાર અને કેવી વિશ્વનાથનની બેન્ચે 18 સપ્ટેમ્બરના તેના આદેશ માટે વિગતવાર કારણો આપ્યા હતા.
બેન્ચે જણાવ્યું હતું કે, “માત્ર બેન્ચમાર્ક દિવ્યાંગતા હોય તેવા ઉમેદવારને એમબીબીએસ કોર્સ માટે લાયક બનવા માટે અયોગ્ય ઠેરવશે નહીં. ઉમેદવારની દિવ્યાંગતાનું મૂલ્યાંકન કરતા વિકલાંગતા બોર્ડે નોંધવું જોઈએ કે ઉમેદવારની દિવ્યાંગતા અભ્યાસક્રમ ભણવાના માર્ગમાં આવશે કે નહીં. સર્વોચ્ચ અદાલતે વધુમાં કહ્યું હતું કે દિવ્યાંગતા બોર્ડે એવા કારણો પણ આપવા જોઈએ કે ઉમેદવાર કોર્સ કરવા માટે શા માટે લાયક નથી.
આ પછી આજે ઉમેદવારને એમબીબીએસ કોર્સમાં પ્રવેશ લેવાની મંજૂરી આપવામાં આવી કારણ કે મેડિકલ બોર્ડે કહ્યું હતું કે તે કોઈ પણ અવરોધ વિના તબીબી શિક્ષણ મેળવી શકે છે. ખંડપીઠે કહ્યું કે દિવ્યાંગ ઉમેદવારની એમબીબીએસ કોર્સ કરવા માટેની ક્ષમતાની તપાસ દિવ્યાંગતા મૂલ્યાંકન બોર્ડ દ્વારા થવી જોઈએ.