પૂર્વ CJI ચંદ્રચુડનો બંગલો ખાલી કરાવવા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પત્ર લખ્યો; જાણો શું છે મામલો

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ(CJI) ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર, 2024 ના રોજ નિવૃત્ત થયા હતાં, નિવૃત્ત થયાના સાત મહિના જેટલો સમય વીતી ચુક્યો હોવા છતાં તેમણે દિલ્હી સ્થિત સરકારી બંગલો ખાલી કર્યો નથી. આ બંગલો ખાલી કરાવવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. આ પત્રમાં કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે તે ભૂતપૂર્વ CJI ચંદ્રચુડને તેમનું નિવાસસ્થાન ખાલી કરવા (Justice Chandrachud Bungalow row) વિનંતી કરે.
અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ સહીત હાલ ૩૩ ન્યાયાધીશ કાર્યરત છે. સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોને હજુ સુધી સરકારી આવાસ ફાળવવામાં આવ્યા નથી. એક મીડિયા અહેવાલ મુજબ ત્રણ ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના ટ્રાન્ઝિટ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યારે એક રાજ્ય ગેસ્ટ હાઉસમાં રહે છે. તેથી, સુપ્રીમ કોર્ટને કૃષ્ણ મેનન માર્ગ પર આવેલા બંગલાની તાત્કાલિક જરૂર છે, જે મુખ્ય ન્યાયાધીશનું સત્તાવાર નિવાસસ્થાન છે.
અનુગામી CJIએ આવાસ ના બદલ્યું:
નિયમો મુજબ, સેવારત મુખ્ય ન્યાયાધીશને તેમના કાર્યકાળ દરમિયાન ટાઇપ VIII બંગલો ફાળવવામાં આવે છે. નિવૃત્તિ પછી, તેઓ છ મહિના સુધી ટાઇપ VII સરકારી બંગલામાં ભાડું ચૂકવ્યા વગર રહી શકે છે. જસ્ટિસ ચંદ્રચુડ હજુ પણ સરકારે ફાળવેલા ટાઇપ VIII બંગલામાં રહે છે, જે તેમને મુખ્ય ન્યાયાધીશ તરીકે ફાળવવામાં આવ્યો હતો.
જસ્ટિસ ચંદ્રચુડની નિવૃત્તિ બાદ જસ્ટિસ સંજીવ ખન્ના CJI બન્યા હતાં, તેમની નિવૃત્તિ બાદ હાલ જસ્ટિસ બીઆર ગવઈ મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 5, કૃષ્ણ મેનન માર્ગ પરના બંગલામાં શિફ્ટ થવાની મનાઈ કરી હતી, તેઓ તમના જૂના નિવાસસ્થાનમાં જ રહ્યા.
આપણ વાંચો: કોલકાતા ગેંગરેપ કેસ: પોલીસે ક્રાઈમ સીનનું રિક્રિએશન કરાવ્યું, કોલેજ શરુ કરવા કોર્ટમાં અરજી
જસ્ટિસ ચંદ્રચુડે શું કહ્યું:
અહેવાલ મુજબ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું છે કે વ્યક્તિગત સંજોગોને કારણે આવાસ ખાલી કરવામાં વિલંબ થયો હતો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્રને આ અંગે જાણ કરવામાં આવી છે. સરકારે તેમને મર્યાદિત સમયગાળા માટે ભાડા પર વૈકલ્પિક રહેઠાણ ફાળવ્યું છે, અને તેઓ રીનોવેશન પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે.