જેલની બહાર આવશે કે અંદર જ રહેશે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ? સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ચુકાદો!

નવી દિલ્હી: દિલ્હી રમખાણોના કાવતરામાં સંડોવણીના આરોપમાં છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની મુક્તિ થશે કે નહીં, તેનો નિર્ણય આજે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવશે. વર્ષ 2020ના દિલ્હી રમખાણોના મુખ્ય કાવતરા સાથે જોડાયેલા આ કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઈમામ અને અન્ય આરોપીઓની જામીન અરજીઓ પર સર્વોચ્ચ અદાલત આજે પોતાનો મહત્વનો ચુકાદો જાહેર કરશે. આ કેસમાં જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠ આદેશ પસાર કરવા જઈ રહી છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે 10 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની લાંબી દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી પોલીસ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ હાજર રહી જામીનનો વિરોધ કર્યો હતો, જ્યારે આરોપીઓ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ કપિલ સિબ્બલ, અભિષેક સિંઘવી અને સલમાન ખુર્શીદ જેવા દિગ્ગજ વકીલોએ દલીલો રજૂ કરી હતી. આથી હવે આ તમામની નજર કોર્ટના આજના ચુકાદા પર ટકેલી છે.
ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને NRC વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ ભયાનક રમખાણોમાં 53 લોકોના મોત થયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ પર આ રમખાણોના મુખ્ય આરોપી હોવાનો આરોપ છે અને તેમની વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને ભારતીય ન્યાય સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અગાઉ 2 સપ્ટેમ્બરના રોજ, દિલ્હી હાઈકોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉમર ખાલિદ સહિતના અન્ય આરોપીઓને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતા આરોપીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જો આજે સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી મંજૂર કરે છે, તો પાંચ વર્ષના લાંબા ગાળા બાદ તેઓ જેલની બહાર આવશે, અન્યથા તેમને હજુ પણ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.
આ પણ વાંચો…ભાજપે દેશ વિરોધી વલણ મુદ્દે રાહુલ ગાંધી અને ભારત વિરોધી લોબીને ઘેરી



