ખરડાને મંજૂરી આપવા મામલે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટેનો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટેની બંધારણીય બેન્ચે ગુરુવારે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. બેન્ચે જણાવ્યું કે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા ખરડાને મંજૂરી આપવા માટે અદાલતો રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી ન કરી શકે છે, આવા નિર્દેશો આપવાથી સત્તાના વિભાજનનો ભંગ થશે અને બંધારણના માળખાને નુકશાન પહોંચશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ, ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ એએસ ચાંદુરકરની બનેલી બંધારણીય બેન્ચે 10 દિવસ આ મામલે સુનવણી કરીને 11 સપ્ટેમ્બરના રોજ ચુકાદો અનામત રાખ્યો, આજે આ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.
બેન્ચે રાષ્ટ્રપતિ તરફથી બંધારણની કલમ 143 હેઠળ મોકલવા આવેલા 14 બંધારણીય પ્રશ્નો પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે આ મુદ્દો બંધારણીય પદાધિકારીના વિવેકાધિકાર અને બંધારણના સંઘીય માળખાની મર્યાદા સાથે જોડાયેલો છે.
વાજબી સમયમાં નિર્ણય લે એવી અપેક્ષા:
કોર્ટે કહ્યું કાયદો બનાવવાની પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા બંધારણીય ફરજ છે, ખરડાને મંજુરી આપવામાં વધુ પડતો વિલંબ લોકશાહીની ભાવનાને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ અદાલતો હસ્તક્ષેપ કરીને તેના માટે સમયમર્યાદા નક્કી ન કરી શકે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવા પદાધિકારીઓ વાજબી સમયમાં નિર્ણય લે.
CJI બી આર ગવઈએ ચુકાદો સંભળાવતા કહ્યું કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્યપાલો સામાન્ય રીતે પ્રધાન પરિષદની સહાય અને ભલામણોને આધારે કામ કરે. કલમ 200 હેઠળ બિલ પરત કરતી વખતે અથવા ખરડાને રાષ્ટ્રપતિ માટે અનામત રાખતી વખતે રાજ્યપાલોને પ્રધાન મંડળની સલાહ મુજબ કાર્ય કરવાનું રહે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મે મહિનામાં બંધારણની કલમ 143(1) હેઠળ 14 પ્રશ્નો અંગે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો. આ પ્રશ્નો બંધારણની કલમ 200 અને 201 સાથે સંબંધિત છે, આ કલમોમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેની ઉમેદવારી પ્રક્રિયા વિલંબિત કરવા વિચાર કરો: સુપ્રીમ કોર્ટ…



