પોલીસને તેની મર્યાદાનો ખ્યાલ હોવો જોઇએ! નહિતર…. આરોપી સાથે ગેરવર્તન પર સુપ્રીમ કોર્ટ લાલધુમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલીસ વડાને ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું ધરપકડ સંબંધિત કાયદા, નિયમો અને માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુનેગાર સાથે કાયદા અનુસાર વર્તન થવું જોઈએ, જે ગુનેગારોને ચોક્કસ અધિકારો અને રક્ષણની ખાતરી આપે છે.
પોલીસમાં વિશ્વાસ જળવાઈ રહે તે જરુરી
ન્યાયાધીશ હસનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે પોલીસ રાજ્ય તંત્રનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જેની સીધી અસર સમાજ અને ખાસ કરીને વ્યક્તિઓની સલામતી પર પડે છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે પોલીસ અધિકારીઓએ તેમની મર્યાદા ઓળંગવી ન જોઈએ. કારણે કે વ્યક્તિ અને સમાજનો પોલીસમાં વિશ્વાસ જળવાઈ રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શા માટે કોર્ટે આવું કહ્યું ?
આ વાત કોર્ટે એ કેસની સુનાવણી દરમિયાન કરી છે કે જેમાં એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે હરિયાણા પોલીસે ધરપકડના કાયદાનું ઉલ્લંઘન કરીને તેની અટકાયત કરી હતી અને કસ્ટડી દરમિયાન અને પોલીસ સ્ટેશનની અંદર તેનું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું હતું. અરજદારના વકીલે આરોપ લગાવ્યો હતો કે ઉચ્ચ અધિકારીઓને ઈ-મેલ મોકલ્યા બાદ પોલીસ સ્ટેશનમાં શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને બે કલાક બાદ બપોરે લગભગ દોઢ વાગ્યે FIR દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ જેટલી અનુશાસનહીન કોર્ટ ક્યારેય જોઈ નથી, કઇ વાત પર ભડક્યા CJI
મર્યાદાનાં ઉલ્લંઘનની અપેક્ષા પોલીસ પાસે નહિ
સુપ્રીમ કોર્ટે કહ્યું, જો કોઈ વ્યક્તિ ગુનેગાર છે તો પણ તેની સાથે કાયદા અનુસાર યોગ્ય વર્તન થવું જોઈએ. આપણા દેશના કાયદા હેઠળ, ગુનેગાર પણ તેના વ્યક્તિત્વ અને ગૌરવનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ સુરક્ષાનો ઉપાયો મળેલા છે. એવું કહી શકાય કે સામાન્ય માણસ પાસેથી તેની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાની અપેક્ષા રાખી શકાય છે, પરંતુ પોલીસ પાસેથી નહીં.
અધિકારીઓ સામે લેવાશે પગલાં
તમામ રાજ્યોના પોલીસ વડાને માટે જારી કરાયેલી માર્ગદર્શિકામાં સુપ્રીમ કોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓને ભવિષ્યમાં આ બાબતોને ધ્યાને લેવા ચેતવણી આપી હતી. સાથે જ કોર્ટે પોલીસ વડાને એ પણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે આવી ઘટનાઓ ફરી ન બને અને કોઈપણ અન્ય અધિકારી દ્વારા સત્તાના કોઈપણ કથિત ઉલ્લંઘનના સંદર્ભમાં વરિષ્ઠ અધિકારી તરફથી શૂન્ય-સહિષ્ણુતા હોવી જોઈએ. જો આ બાબતે કોઇ કામગીરી નહિ થાય તોત્યારે ખૂબ જ કડક વલણ અપનાવવામાં આવશે અને દોષિત કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે.