‘POCSO’ના કેસોમાં સંમતિથી સેક્સ સંબંધ બાંધનારા સગીરોને મુક્તિ આપવા સુપ્રીમ કોર્ટનું સૂચન

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં એક છોકરી સાથે જાતિય સતામણી અંગેના POCSO એક્ટ હેઠળના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે આરોપીને જામીન આપ્યા હતા. સાથોસાથ જામીન આપતી વખતે તમામ કેસોમાં પોલીસને એજ-ડિટરમિનેશન ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશને ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે POCSO એક્ટને લઈને મહત્ત્વનું સૂચન કર્યું છે.
જામીન કોર્ટ ‘મિની-ટ્રાયલ’ કરી શકે નહીં
સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળના કેસોમાં હાઈકોર્ટના અધિકારક્ષેત્ર અને કાયદાના દુરુપયોગ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણીમાં જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની ખંડપીઠે જણાવ્યું છે કે, હાઈકોર્ટ આરોપીને જામીન આપતી વખતે પીડિતાના એજ-ડિટરમિનેશન ટેસ્ટ જેવા આદેશો આપી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, “જામીન આપતી વખતે પીડિતોની તબીબી ઉંમર નક્કી કરવા અંગેના આદેશો આપવો એ હાઈકોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે. જામીન કોર્ટ ‘મિની-ટ્રાયલ’ કરી શકે નહીં. પીડિતાની ઉંમર નક્કી કરવી એ ટ્રાયલ દરમિયાન જોવાનો વિષય છે, જામીનના તબક્કે જોવાનો નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે POCSO એક્ટ હેઠળના દરેક કેસમાં મેડિકલ એજ-ડિટરમિનેશન ટેસ્ટ કરાવવાનો જે નિર્દેશ આપ્યો હતો, તેને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. જોકે, આરોપીના જામીન યથાવત રાખવામાં આવ્યા છે.
‘રોમિયો-જુલિયટ’ કલમ ઉમેરો
ઘણા કિસ્સાઓમાં POCSO એક્ટનો દૂરઉપયોગ પણ થઈ રહ્યો છે. ઘણીવાર સગીર યુવક-યુવતીઓ એકબીજાની સંમંતિથી પ્રેમ સંબંધ બાંધતા હોય છે. જેને પણ POCSO એક્ટ હેઠળ લાવીને કેસ શરૂ કરી દેવામાં આવે છે. આવી બાબતોને ધ્યાને લેતા સુપ્રીમ કોર્ટે સૂચવ્યું કે, સાચા કિશોર પ્રેમ સંબંધોને POCSOના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવા માટે ‘રોમિયો-જુલિયટ કલમ’ ઉમેરવા પર વિચાર કરવો જોઈએ. કાયદાનો ઉપયોગ કરીને બદલો લેવા માંગતી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ચોક્કસ મિકેનિઝમ પણ બનાવવું જોઈએ.” સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ ચૂકાદાની નકલ ભારત સરકારના કાયદા સચિવને મોકલવાનો પણ આદેશ આપ્યો છે.
કે. કિરૂબાકરણનો ઉદાહરણ સમો કેસ
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના કે. કિરૂબાકરણ નામનો વ્યક્તિને અપહરણ અને જાતીય સતામણીના આરોપસર નીચલી કોર્ટે દોષી જાહેર કર્યો હતો. આ ગુના હેઠળ તેને IPC અને POCSO એક્ટની કલમ હેઠળ તેને પાંચ અને દસ વર્ષના કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.
નીચલી કોર્ટના આ આદેશને લઈને કે. કિરૂબાકરણે મદ્રાસ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. મદ્રાસ હાઈ કોર્ટે પણ નીચલી અદાલતના આદેશને માન્ય રાખ્યો હતો. જોકે, મદ્રાસ હાઈ કોર્ટમાં જ્યારે કે. કિરૂબાકરણની અપીલ પેન્ડિંગ હતી. ત્યારે કે. કિરૂબાકરણે આ ગુનાની પીડિત યુવતી સાથે ‘મે 2021’માં લગ્ન કરી લીધા હતા. જેથી મદ્રાસ હાઈ કોર્ટના આદેશ બાદ કે. કિરૂબાકરણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીના સમર્થનમાં કે. કિરૂબાકરણની પત્નીએ પણ સોગંદનામું રજૂ કરીને કહ્યું હતું કે, તે પોતાના પતિ સાથે શાંતિપૂર્ણ રીતે જીવન જીવવા ઇચ્છે છે. તેના પર તે અને તેનું બાળક નિર્ભર છે. આ સાથે મૂળ ફરિયાદી એટલે કે પીડિતાના પિતાએ પણ કોર્ટ સમક્ષ વર્ચ્યુલી હાજર રહીને કહ્યું હતું કે, તેઓને કાર્યવાહી પૂરી કરવામાં કોઈ વાંધો નથી.
કે. કિરૂબાકરણની અરજીને લઈને તાજેતરમાં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઑગસ્ટીન જૉર્જ મસીહની ખંડપીઠે મહત્ત્વનો ચૂકાદો આપ્યો હતો. ખંડપીઠે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ પોતાની અસાધારણ શક્તિનો ઉપયોગ કરીને કે. કિરૂબાકરણને નિર્દોષ જાહેર કરીને તેની સજા રદ્દ કરી દીધી હતી. ખંડપીઠે આગળ જણાવ્યું કે, “અપીલકર્તા દ્વારા કરવામાં આવેલા ગુનો પોક્સો એક્ટ હેઠળ સજાપાત્ર છે, પરંતુ તેના પર વિચાર કરતા અમે એ નોંધ્યું કે તે હવસનું નહીં, પરંતુ પ્રેમનું પરિણામ હતું.”
આ પણ વાંચો…‘રોડ પર શ્વાન રખડવા ન જોઈએ, હાઈ-વે પર ઢોર ગંભીર વિષય’ સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી…



