લોરેન્સ બિશ્નોઈનો ઇંટરવ્યૂ લેનાર પત્રકાર સામે કાર્યવાહી પર સુપ્રીમની રોક

નવી દિલ્હી: આજે 30 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે પંજાબ અને રાજસ્થાનની જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ લેનાર એબીપી ન્યૂઝના પત્રકાર સામે કોઈ દંડાત્મક પગલાં લેવામાં નહીં આવે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ આપ્યો હતો. આ બેન્ચમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ શામેલ છે.
લાઈવ લો રિપોર્ટ અનુસાર, આ બેંચ ઈન્ટરવ્યુ સંબંધિત કેસમાં એફઆઈઆર નોંધવા આઈપીએસ પ્રબોધ કુમારની આગેવાની હેઠળની એસઆઈટીના નિર્દેશ સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા દાખલ કરાયેલા પડકારની સુનાવણી કરી રહી હતી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં હાઈકોર્ટે બિશ્નોઈના ઈન્ટરવ્યુના મામલે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો અને આઈપીએસ અધિકારી પ્રબોધ કુમારની આગેવાની હેઠળની SITએ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કથિત વિડીયો અંગે સામે આવ્યો મોટો ખુલાસો
હાઈકોર્ટે આ આદેશ જેલ પરિસરમાં કેદીઓ દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગને લગતા કેસના સુઓ મોટોની સુનાવણી દરમિયાન આપ્યો હતો. લોરેન્સ બિશ્નોઈના ટીવી ઈન્ટરવ્યુની તપાસ માટે કોર્ટે ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી હતી જેથી તેમાં અધિકારીઓની સંડોવણી જાણી શકાય. બિશ્નોઈ 2022માં ગાયક સિદ્ધ મુસેવાલાની હત્યાના આરોપીઓમાંનો એક છે. ગયા વર્ષે માર્ચમાં એક ખાનગી ન્યૂઝ ચેનલે બિશ્નોઈના બે ઈન્ટરવ્યુ પ્રસારિત કર્યા હતા.
આજે મુખ્ય ન્યાયાધીશે એબીપી ન્યૂઝ નેટવર્ક અને પત્રકાર જગવિંદર પટિયાલ દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશન મામલે નોટિસ જારી કરી હતી. સાથે જ મૌખિક રીતે પણ ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે પત્રકારનો હેતુ ગુનેગારોને ખુલ્લા પાડવાનો હતો, પરંતુ જેલ પરિસરમાં ઇન્ટરવ્યુ લેવા એ જેલના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
CJIએ કહ્યું, “એક હદ સુધી, કદાચ તમારા ક્લાયન્ટે ઇન્ટરવ્યુની માંગ કરીને જેલના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે. પરંતુ હકીકત એ છે કે જેલમાં પણ આવું થઈ શકે છે તે ખૂબ જ ગંભીર બાબત છે.”