મમતા બેનરજીને ઝટકોઃ ઈડી અધિકારીઓ સામે એફઆઈઆરને સુપ્રીમ કોર્ટે લગાવી રોક

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે I-PAC દરોડા કેસ (I-PAC Raid Case)માં પશ્ચિમ બંગાળ સરકારને મોટો ફટકો આપ્યો છે. આ સાથે ED અધિકારીઓ વિરુદ્ધ નોંધાયેલી FIR પર સ્ટે આપ્યો અને CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ પણ આપી દીધો છે. અત્યારે પશ્ચિમ બંગાળનો કેસ ખૂબ જ ચર્ચામાં આવેલો છે.
8મી જાન્યુઆરીએ EDએ કોલસા વેચાણ કૌભાંડ કેસમાં I-PACની ઓફિસ અને ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાન પર દરોડા પાડ્યાં હતાં. આ દરમિયાન મમતા બેનર્જી અને રાજ્ય પોલીસ અધિકારીઓએ દરોડા વચ્ચે વિક્ષેપ પાડ્યો અને કેટલાક દસ્તાવેજોની ચોરી કર્યાંનો આક્ષેપ કર્યો હતો.
ED અધિકારીઓ વિરુદ્ધ નોંધાયેલી FIR પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
વધારે વિગતો વાત કરીએ તો, EDના અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે, ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા ત્યારે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સ્થળ પર પહોંચીને મહત્વના પુરાવા લઈ લીધા અને તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો.
એટલું જ નહીં પરંતુ બંગાળ પોલીસે ED અધિકારીઓ વિરુદ્ધ FIR પણ નોંધી હતી. આ કેસમાં ED દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મમતા બેનર્જીની સરકારને મોટો ઝટકો આપ્યો છે.
આપણ વાચો: ‘…તો હોસ્પિટલ બંધ કરી દો’ કોલકાતા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ખખડાવી
સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી અને બંગાળ સરકાર પાસે માંગ્યો જવાબ
જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને વિપુલ પંચોળીની બેન્ચે સીએમ મમતા બેનર્જી, બંગાળ સરકાર, DGP રજનીશ કુમાર સહિત અધિકારીઓને નોટિસ આપી છે અને 2 જ અઠવાડિયામાં જવાબ આપવા માટે આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘લોકશાહીમાં દરેક અંગ સ્વતંત્ર રીતે કાર્ય કરે, તેથી કેન્દ્રીય એજન્સીની તપાસમાં રાજ્ય મશીનરીનો હસ્તક્ષેપ ગંભીર મુદ્દો છે. એટલું જ નહીં પરંતુ આ કેસમાં નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 3 ફેબ્રુઆરીએ થવાની છે.
મમતા સરકાર અને રાજ્યની પોલીસ પર ચોરીનો પણ આરોપ
ED તરફથી આ કેસ સોલિસિટર જનરલ તુષાર મહેતા લડી રહ્યાં છે અને પશ્ચિમ બંગાળી સરકાર તરફથી કપિલ સિબ્બલ કેસ લડી રહ્યાં છે. બંને વકીલોએ કોર્ટમાં ભારે દલીલો કરી હતી. ઈડીના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, રાજ્ય (પશ્ચિમ બંગાળ) પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓ સાથે ધરણામાં જોડાયા હતાં.
એક ED અધિકારીનો મોબાઇલ ફોન પણ છીનવી લેવામાં આવ્યો. આવી ઘટના કેન્દ્રીય દળોનું મનોબળ ઘટાડશે તેવી શક્યતા છે. આ સાથે મમતા સરકાર અને રાજ્યની પોલીસ પર ચોરીનો પણ આરોપ લગાવ્યો હતો.
કપિલ સિબ્બલે મમતા સરકાર પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યાં
આ સાથે મમતા સરકારના વકીલ કપિલ સિબ્બલે સીએમ મમતા બેનર્જી પર લાગેલા દરેક આરોપોને ખોટા ગણાવ્યાં હતા. એટલું જ નહીં પરંતુ ઈડીની કાર્યવાહી દરમિયાન મમતા બેનર્જી માત્ર તેમનું લેપટોપ અને ખાનગી આઈફોન લઈ ગયાં હોવાની દલીલ કરી હતી.
આ કેસ હવે વધારે વિવાદાસ્પદ બની રહ્યો છે. જો કે, હવે આ કેસમાં 3 ફેબ્રુઆરીએ સુનાવણી થશે ત્યારે વધારે હકીકત જાણવા મળશે.



