સુપ્રીમ કોર્ટે CSDSના ડિરેક્ટર સંજય કુમાર સામે કાર્યવાહી પર રોક લગાવી! આ મામલે નોંધાયા હતાં કેસ

મુંબઈ: મતદાર યાદી સંબંધિત ખોટો ડેટા સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ લોકનીતિ-CSDSના ડિરેક્ટર સંજય કુમાર (Sanjay Kumar) સામે કેસ નોંધવામાં આવ્યા છે. આજે સુપ્રીમ કોર્ટે સંજય કુમારને રાહત આપી છે, કોર્ટે તેમની સામે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
ચીફ જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે મહારાષ્ટ્રના નાસિક અને નાગપુરમાં નોંધાયેલી બે FIRમાં સંજય કુમાર સામે કાર્યવાહી પર રોક લગાવી છે. આ સાથે કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને ફરિયાદીઓને નોટિસ ફટકારી છે.
ખોટી માહિતી ફેલાવવા અને ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સંજય કુમાર સામે નાગપુરના રામટેક પોલીસ સ્ટેશનમાં એક FIR નોંધવામાં આવી છે. આ ઉપરાંત, નાસિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં પણ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ બંને FIR હેઠળ કાર્યવાહી પર કોર્ટે રોક લગાવી છે.
શું છે આરોપ?
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સંજય કુમારે દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાર યાદીની સમીક્ષા કરતી વખતે મતદારોની સંખ્યામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમને જણાવ્યું હતું કે રામટેક વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની સંખ્યામાં 38.45% ઘટાડો નોંધાયો હતો, જ્યારે દેવલાલી વિસ્તારમાં 36.82% નો ઘટડો થયો હતો.
સંજય કુમારના આ ખુલાસા બાદ હોબાળો મચી ગયો હતો, વિવાદ બાદ સંજય કુમારે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવવાનો કોઈ ઈરાદો નહોતો. ત્યાર બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યા હતાં, હવે કોર્ટે તેમને રાહત આપી છે.
આ પણ વાંચો…‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ…’ ગાવું મતલબ વગરનું છે! સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું?