‘રાજકીય લડાઈ માટે EDનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે?’ સુપ્રીમ કોર્ટની 2 કેસમાં EDને ફટકાર લગાવી

નવી દિલ્હી: વિપક્ષ આવારનવાર આરોપો લગાવતું રહે છે કે મોદી સરકાર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો રાજકીય ઉપયોગ કરી રહી છે. એવામાં આજે સોમવારે સુપ્રીમ કોર્ટે બે કેસની સુનાવણી દરમિયાન EDને જોરદાર ફટકાર લગાવી હતી. કોર્ટે EDને કહ્યું કે તમારે રાજકીય લડાઈ લડવાની જરૂર નથી. એક કેસ કર્ણાટક મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના પત્ની બીએમ પાર્વતી સાથે જોડાયેલો છે, જ્યારે કેસ બીજો EDના સમન્સ પર સુઓ મોટોને લાગતો છે.
મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)માં કથિત કૌભાંડ કેસમાં EDએ બીએમ પાર્વતીને આરોપી બનાવ્યા હતાં અને તેમને સમન્સ પાઠવ્યું હતું. ટ્રાયલ કોર્ટે આ સમન્સ રદ કર્યા હતાં, આ નિર્ણયને EDએ કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો હતો, હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. ત્યાર બાદ EDએ હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી.
‘અમને કઠોર શબ્દો કહેવા મજબુર ના કરો’
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયો છતાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાના EDના પગલા સામે ન્યાયાધીશ બી.આર. ગવઈએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે ED તરફથી સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસવી રાજુને પૂછ્યું, “તમે સારી રીતે જાણો છો કે સિંગલ જજે ટ્રાયલ કોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું. રાજકીય લડાઈ મતદારો વચ્ચે લડવા દો. એના માટે તામારો ઉપયોગ શા માટે થઈ રહ્યો છે?”
જસ્ટિસ ગવઈએ વધુ કડક વલણ દાખવતા કહ્યું, “દુર્ભાગ્યવશ, મહારાષ્ટ્રમાં મને EDનો થોડો અનુભવ થયો હતો. મહેરબાની કરીને અમને કંઈક કહેવા માટે મજબુર ના કરો. નહીંતર, અમારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિશે ખૂબ જ કઠોર શબ્દો કેહવા પડશે.”
કોર્ટની ફટકાર બાદ ED તરફથી સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસવી રાજુએ કહ્યું, “ ઠીક છે, અમે અરજી પાછી ખેંચી લઈશું.”
આ કેસમાં પણ કોર્ટે EDની ઝાટકણી કાઢી:
અસીલોને કાનૂની સલાહ આપવા બદલ EDએ વરિષ્ઠ વકીલોને પાઠવેલા સમન્સ સમન્સ અંગે સુપ્રીમ કોર્ટે લીધેલા સુઓ મોટો પર પણ સુનાવણી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ એસોસિએશન (SCAORA), સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA), ઇન-હાઉસ લોયર્સ એસોસિએશન અને અન્ય લીગલ સંસ્થાઓ દ્વારા હસ્તક્ષેપ કરવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
મુખ્ય ન્યાયધીશ ગવઈએ આ મામલે પણ EDને ઝાટકતા કહ્યું, “જો વકીલ દ્વારા આપવામાં આવેલી સલાહ કદાચ ખોટી પણ હોય તો પણ તેમને સમન્સ કેવી રીતે મોકલી શકાય? કેટલીક ગાઈડલાઈન્સ બનાવવી જોઈએ.”
મુખ્ય ન્યાયધીશ ગવઈએ જણાવ્યું કે કોર્ટ વિશ્લેષણ કરવા માટે એક એમિકસ ક્યુરીની નિમણૂક કરશે અને આવતા અઠવાડિયામાં આ મામલાની સુનાવણી કરશે. તેમણે કહ્યું, “આપણે બધા વકીલો જ છીએ.”
EDની દલીલ:
આ કેસ માટે ED વતી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ED વિરુદ્ધ ઇરાદાપૂર્વક ખોટું નેરેટીવ ઉભું કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “કેટલાક ઇન્ટરવ્યુમાંથી રાજકારણીઓ વિવિધ નેરેટીવ ઉભા કરી રહ્યા છે. ક્યારેક અદાલતોના અવલોકનો ખોટી પણ છાપ ઉભી કરે છે.”
જો કે મુખ્ય ન્યાયાધીશે સોલિસિટર જનરલની દલીલને નકારી કાઢતા કહ્યું, “અગાઉ અમે ઘણા કિસ્સાઓમાં આવી બાબત નોંધી હતી….રાજકારણ ન કરો. અમે ED ની કોઈ પ્રશંસા કરી રહ્યા નથી. અમે ઘણા બધા કેસ જોયા છે કે હાઇકોર્ટ દ્વારા યોગ્ય રીતે તર્કસંગત આદેશો આપવામાં આવ્યા પછી પણ, ED એક પછી એક અપીલ કરી રહી છે.”
નેરેટીવ ઉભો કરવાની સોલિસિટર જનરલની દલીલ અંગે મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “અમારી પાસે અખબારો વાંચવાનો કે યુટ્યુબ જોવાનો સમય નથી. આ કોર્ટ તેનાથી પ્રભાવિત થતી નથી, હું વિરોધી વલણ નથી અપનાવી રહ્યો.”
આ પણ વાંચો…હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે બધું જ વાજબી નથી!