
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે મતદાર યાદીમાં સઘન સુધારણા કામગીરી (એસઆઈઆર-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ને પડકારતી તમામ અરજી પર એક સાથે સુનાવણી થઈ હતી. કેરળ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ચાલી રહેલી SIRની કામગીરીને પડકારવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેંચે ચૂંટણી પંચને પહેલી ડિસેમ્બર સુધી જવાબ આપવા જણાવ્યું છે. તમામ રાજ્યોએ SIR મુદ્દે ચૂંટણી પંચને 1 ડિસેમ્બર 2025 સુધીમાં જવાબ આપવો પડશે. કેરળના મામલાની સુનાવણી 2 ડિસેમ્બરે થશે, જ્યારે અન્યની સુનાવણી 9 ડિસેમ્બરના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં બીએલઓ (બુથ લેવલ ઓફિસર)ના મૃત્યુ મુદ્દે પણ 1 ડિસેમ્બર સુધી જવાબ માંગવામાં આવ્યો છે.
SIR દરમિયાન 23 BLOના મૃત્યુ
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તમિલનાડુના SIR કેસની સુનાવણી સોમવારે થશે. કેરળની અરજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે SIRને મુલતવી રાખવાની માગણી કરવામાં આવી છે. વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું કે આ અરજી પહેલાથી જ મદ્રાસ હાઈ કોર્ટમાં દાખલ છે. કોર્ટે કેરળ માટે અલગથી સ્થિતિ રિપોર્ટ માગ્યો છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના અરજદારના વકીલે દાવો કર્યો કે SIR દરમિયાન 23 BLOનાં મૃત્યુ થયા છે. કોર્ટે આ ગંભીર આરોપ પર પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી કાર્યાલય પાસેથી પણ 1 ડિસેમ્બર સુધીમાં જવાબ માગ્યો છે.
બિહારનો મામલો પણ આ જ અરજીઓમાં જોડવામાં આવ્યો હતો. વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે પક્ષ રજૂ કરતાં કહ્યું કે BLOને એક વખતમાં માત્ર 50 ફોર્મ અપલોડ કરવાની જ મંજૂરી છે, જે પ્રક્રિયાને ધીમી પાડી રહી છે. ચૂંટણી પંચ વતી વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ કોર્ટને જણાવ્યું કે રાજ્ય ચૂંટણી પંચ સાથે સંપૂર્ણ સંકલન છે, કોઈ સમસ્યા નથી. તેમણે જણાવ્યું કે 99 ટકા મતદારને ફોર્મનું વિતરણ થઈ ગયું છે. દ્વિવેદીએ કહ્યું કે 50 ટકાથી વધુ ફોર્મ ડિજિટલ થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં SIR નહીં: ચૂંટણી પંચની જાન્યુ. 2026 સુધી મુલતવી રાખવા ECને વિનંતી
ECના વકીલનું મોટું નિવેદન
ચૂંટણી પંચના વકીલે એવું પણ કહ્યું કે રાજકીય પક્ષો જાણી જોઈને ડર અને અફરાતફરી ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘આ તમારા (ચૂંટણી પંચના) પોતાના નિર્દેશો છે. 50 ફોર્મની મર્યાદા તમે જ લગાવી છે. આ કોઈ રાજકીય પક્ષ કે નેતાનો મુદ્દો નથી. કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા પછી સ્પષ્ટ કરી દીધું કે પ્રક્રિયામાં કોઈ અવ્યવસ્થા થવી જોઈએ નહીં અને સમયબદ્ધ જવાબ જોઈએ. 2 ડિસેમ્બર અને 9 ડિસેમ્બરના થનારી સુનાવણીમાં વિવિધ રાજ્યોમાં SIR ચાલુ રહેશે કે તેમાં કોઈ ફેરફાર થશે તે નક્કી થઈ શકે છે.
ગુજરાતમાં તાલુકા સ્તરે બે દિવસ મેગા કેમ્પનું આયોજન
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર 2025 સુધી ચાલવાનો છે. હાલમાં આ ઝુંબેશમાં જોડાયેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓથી માંડીને ચૂંટણીતંત્રના સૈનિકો સમાન BLO સુધીનું સમગ્ર ચૂંટણીતંત્ર સુમેળ અને સહકારની ભાવના સાથે નાગરિકોને મદદરૂપ બનવા માટે પ્રયાસરત છે.
ગુજરાતના BLO ગણતરી ફોર્મના વિતરણ, ફોર્મ ભરવા તથા 2002ની યાદીમાંથી નામ શોધવામાં મદદ કરીને ફોર્મમાં ભરવાની થતી વિગતો બાબતે નાગરિકોને માર્ગદર્શન આપી રહ્યા છે. તા. 29 અને 30 નવેમ્બર 2025 એમ બે દિવસ માટે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે. આ કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે.



