સોનમ વાંગચુકની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી: લદાખમાં હિંસા બાદ ક્લાઈમેટ એક્ટીવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર નેશનલ સિક્યોરિટી એક્ટ(NSA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી અંગ્મોએ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેમની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને લદ્દાખ વહીવટીતંત્ર પાસેથી જવાબ માંગ્યો છે.
કેન્દ્ર સરકાર અને લદાખ વહીવટીતંત્રએ કોર્ટમાં દલીલ કરી કે આ અરજીનો હેતુ વાંગચુકની અટકાયતની બાબતે હાઇપ બનાવવાનો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચે કેન્દ્ર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર સેન્ટ્રલ જેલને નોટિસ પાઠવી છે અને જવાબ માંગ્યો છે. કેસની સુનાવણી 14 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે.
ગીતાંજલી એંગ્મો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અપીલ કરી હતી કે અટકાયતના કારણો તાત્કાલિક પૂરા પાડવામાં આવે. હાલ કોર્ટે કોઈપણ આદેશ આપવાનું ટાળ્યું. કોર્ટે કહ્યું કે તે પહેલા અધિકારીઓએ આપેલા જવાબો પર વિચાર કરશે.
કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે વારંવાર વિનંતીઓ છતાં, ગીતાંજલી એંગ્મોને સોનમ વાંગચુકની અટકાયતના કારણો પૂરા પાડવામાં આવ્યા ન હતા. તેમણે કહ્યું.”સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પરિવારના સભ્યોને અટકાયતના કારણો આપવા જરૂરી છે. અમને કોઈ કારણ આપવામાં આવ્યું નથી, અને પત્નીને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી.”
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે અને વાંગચુકના અધિકારોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.
આપણ વાંચો: ભારતમાં આવી રહી છે બ્રિટિશ બોર્ડિગ સ્કૂલો, શ્રીમંતોમાં ભારે ટ્રેન્ડિંગ આ સ્કૂલો વિશે જાણો