ખાનગી શાળાઓમાં સામાન્ય ઘરના બાળકોના પ્રવેશ માટે રાજ્યોએ કડક નિયમો બનાવવા પડશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: દેશના દરેક બાળકને શિક્ષણનો સમાન અધિકાર મળે તે હેતુથી સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ખાનગી બિન-અનુદાનિત શાળાઓમાં નબળા અને વંચિત વર્ગના બાળકો માટેની 25% અનામત બેઠકો માત્ર સરકારી માર્ગદર્શિકા (SOP) ના ભરોસે છોડી શકાય નહીં. કોર્ટ જણાવ્યું કે, જો શિક્ષણના અધિકારને ખરેખર સાર્થક બનાવવો હોય, તો રાજ્યોએ કાયદાકીય રીતે બંધનકર્તા નિયમો ઘડવા પડશે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.
કોર્ટે અવલોકન કર્યું કે બાળ અધિકાર સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતી SOP ને કાયદાકીય દરજ્જો હોતો નથી, અને તેના ઉલ્લંઘન બદલ કોઈ જવાબદારી નક્કી કરી શકાતી નથી. RTE એક્ટની કલમ 38 હેઠળ રાજ્યોએ સ્પષ્ટ અને અમલી બનાવી શકાય તેવા નિયમો બનાવવા જોઈએ. અદાલતે ચેતવણી આપી હતી કે જો મજબૂત કાયદાકીય માળખું તૈયાર કરવામાં નહીં આવે, તો બંધારણની કલમ 21A (શિક્ષણનો અધિકાર) અને RTE એક્ટની જોગવાઈઓ માત્ર કાગળ પર જ રહી જશે. આ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળ અધિકાર સંસ્થાઓ સાથે પરામર્શ કરીને નિયમો સૂચિત કરવા આદેશ અપાયો છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો મહારાષ્ટ્રના એક ગરીબ પરિવાર સાથે જોડાયેલો છે, જેમના બાળકોને પડોશની ખાનગી શાળામાં ખાલી સીટ હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. હાઈકોર્ટે ઓનલાઈન અરજીની પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનું કહીને અરજી ફગાવી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવીને કહ્યું કે, માત્ર ઓનલાઈન એડમિશન સિસ્ટમ, ડિજિટલ નિરક્ષરતા, ભાષાની સમસ્યા અને હેલ્પ-ડેસ્કનો અભાવ ગરીબ બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત કરી રહ્યા છે. શાળામાં બેઠકો ખાલી હોવા છતાં પ્રવેશ ન આપવો એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે હાલની વ્યવસ્થા પારદર્શક માહિતીના અભાવે નિષ્ફળ રહી છે. પ્રાથમિક શિક્ષણ એ એક સકારાત્મક મૂળભૂત અધિકાર છે, જેની જવાબદારી સરકાર, સ્થાનિક તંત્ર અને શાળાઓ એમ તમામની છે. આ વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) ને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યું છે. હવે આ મામલે વધુ સુનાવણી 6 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્યો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
આપણ વાંચો: સામ્યવાદી ચીનાઓની પરોણાગત, ભાજપ કરે એ લીલા…



