સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને એવું કેમ કહ્યું કે તમે આગ સાથે રમી રહ્યા છો
નવી દિલ્હીઃ પંજાબના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા બિલને મંજૂરી ન આપવા પર સુપ્રીમ કોર્ટ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે તમે આગ સાથે રમી રહ્યા છો. આ લોકશાહી છે. જનપ્રતિનિધિઓ દ્વારા પસાર કરવામાં આવેલ બિલ આ રીતે અટકાવી ના શકો. CJI ચંદ્રચુડે પંજાબના રાજ્યપાલના વકીલને કહ્યું હતું કે જો વિધાનસભાનું સત્ર ગેરકાયદે જાહેર કરવામાં આવે તો પણ સદન દ્વારા પસાર કરવામાં આવેલ બિલને કેવી રીતે ગેરકાયદે જાહેર કરી શકાય?
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે શું રાજ્યપાલને સહેજ પણ અંદાજ છે કે તેઓ આગ સાથે રમત રમી રહ્યા છે, જો રાજ્યપાલને લાગતું હોય કે બિલ ખોટી રીતે પસાર કરવામાં આવ્યું છે, તો પણ તેમણે તેને વિધાનસભાના અધ્યક્ષને પાછું મોકલવું જોઈએ. જો રાજ્યપાલ આ રીતે બિલને ગેરકાયદેસર જાહેર કરતા રહેશે તો શું આપણા દેશની સંસદીય લોકશાહી ટકી શકશે? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે, પરંતુ પંજાબની સ્થિતિને જોતા એવું લાગે છે કે સરકાર અને તેમની વચ્ચે બહુ મોટો મતભેદ છે, જે લોકશાહી માટે બહુ જ ખરાબ બાબત છે.
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના વકીલને કહ્યું કે તમે બિલને આ રીતે અટકાવી શકો નહિ. ત્યારે સિંઘવીએ પંજાબ સરકાર વતી કહ્યું હતું કે રાજ્યપાલ બિલને રોકવાના બહાને બદલો લઈ રહ્યા છે. આ બાબત પર નારાજગી વ્યક્ત કરતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે બંધારણમાં ક્યાં લખ્યું છે કે રાજ્યપાલ સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલા વિધાનસભા સત્રને ગેરકાયદેસર જાહેર કરી શકે છે. જો કે આ કેસ પર સપ્રીમ કોર્ટમાં લંચ બાદ પણ સુનાવણી ચાલુ રાખવામાં આવશે.