
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના પ્રધાન કુંવર વિજય શાહને ભારતીય સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કરેલી ટીપ્પણી બદલ જાહેરમાં માફી ન માંગવા બદલ ફટકાર લગાવી હતી. તેઓ કોર્ટની ધીરજની કસોટી કરી રહ્યા હોવાનું સુપ્રીમે કહ્યું હતું.
ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું કે પ્રધાનનું વર્તન તેમના ઇરાદા અને પ્રામાણિકતા પર શંકા ઉભી કરે છે. ખંડપીઠે કહ્યું કે આ પ્રકારની માફી માંગવાનો તમારો અર્થ શું છે? તેમણે પહેલી તારીખે જ આ નિવેદન આપ્યું હતું. અમે જાહેર માફીની વાત કરી રહ્યા છીએ. આ રેકોર્ડમાં ક્યાં છે? તે અમારી ધીરજની કસોટી કરી રહ્યા છે.
શાહ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે જણાવ્યું કે તેમણે જાહેર માફી માંગી છે. જે ઓનલાઇન શેર કરવામાં આવી છે અને તે કોર્ટના રેકોર્ડ પર મૂકવામાં આવશે. ખંડપીઠે કહ્યું કે ઓનલાઇન માફી શું છે? અમને તેના ઇરાદાઓ અને સત્ય પર શંકા થવા લાગી છે. તમે ક્ષમાયાચના રેકોર્ડમાં નોંધો. અમારે તેની તપાસ કરવી પડશે. તેમજ પ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદનોની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઇટી)ને ૧૩ ઓગસ્ટ સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવા જણાવાયું હતું.
ખંડપીઠે કહ્યું કે શાહના નિવેદનોના બદલે એસઆઇટીએ જેમની લાગણીઓને ઠેસ પહોંચી છે એ લોકોના નિવેદનો નોંધવા જોઇતા હતા. દરમિયાન ખંડપીઠે કોંગ્રેસના નેતા જયા ઠાકુરની શાહના રાજીનામાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.
જો કે બેન્ચે કહ્યું હતું કે રિટ પિટિશનમાં ભૂતકાળના કેસોના સંદર્ભમાં લગાવવામાં આવેલા કેટલાક આરોપોની તપાસ ત્રણ સભ્યોની સીટ દ્વારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ૧૮ ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી.
આ પણ વાંચો…ગરવી ગુજરાતણ કર્નલ સોફિયા કુરેશી કડકડાટ બોલે છે ગુજરાતી? જાણો પરિવાર વિશે