‘સતત 15 કલાક પૂછપરછ મનમાની, પૂર્વ કૉંગ્રેસ ધારાસભ્યની ધરપકડ ગેરકાયદે’, સુપ્રીમ કોર્ટની ઈડીને ફટકાર…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હરિયાણાના પૂર્વ કૉંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારને મોટી રાહત આપી હતી. કોર્ટે ગેરકાયદે ખનન મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી. ઉપરાંત કૉંગ્રેસ નેતાની લગભગ 15 કલાક સુધી કરવામાં આવેલી પૂછપરછને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. સુપીમ કોર્ટે ઇડીને આનું અમાનવીય આચરણ ગણાવ્યું હતું.
આ પણ વાંચો : યુનિયન કાર્બાઇડના ઝેરી કચરા પર પીથમપુરમાં થયો હંગામો, પોલીસનો લાઠીચાર્જ
ગેરકાયદે ખનન મામલે કૉંગ્રેસ નેતા સુરેન્દ્ર પંવારને હાઇ કોર્ટથી મુક્ત કરવાના ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઑગસ્ટીન જોર્જ મસીહની પીઠે ઈડીની અરજીને નકારી હતી. કોર્ટે ઈડી તરફથી સતત 15 કલાક સુધી કૉંગ્રેસ નેતાની કરવામાં આવેલી પૂછપરછને અમાનવીય આચરણ ગણાવી કહ્યું, તેમની ગતિવિધિ કોઈ આતંકી જેવી નહોતી પરંતુ ગેરકાયદે રેતી ખનન સાથે જોડાયેલા કેસને લઈ હતી. આવા કેસમાં લોકો સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.
કોર્ટે પંજાબ એન્ડ હરિયાણા હાઇ કોર્ટના ફેંસલાને યોગ્ય ગણાવ્યો હતો. જેમાં સુરેન્દ્ર પંવારની ધરપકડ અયોગ્ય ગણાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેના ફેંસલામાં સ્પષ્ટ કર્યું કે, હાઇ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માત્ર જામીન આપવા મુદ્દે હતી, નહીં કે મામલાની યોગ્યતા પર. પંજાબ એન્ડ હરિયાણા હાઇ કોર્ટે તેના આદેશમાં કહ્યું કે, ઇડીએ પંવારને નોટિસ મોકલી હતી.
હાઇ કોર્ટે કહ્યું હતું કે કૉંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારને 29 સપ્ટેમ્બર, 2024 ના રોજ મુક્ત કર્યા હતા. અરજદાર સામેના આરોપો ગેરકાયદેસર ખનન સંબંધિત હતા. ગેરકાયદેસર ખનનએ ગુનો છે, પરંતુ તે ખાણ અને ખનીજ અધિનિયમ તથા મની લોન્ડરિંગ અધિનિયમ હેઠળ અનુસૂચિત ગુનો નથી. પરિણામે, પ્રતિવાદી સામે દાવો કરી શકાતો નથી. હાઈ કોર્ટે કૉંગ્રેસના નેતા સુરેન્દ્ર પંવારની 15 કલાકની પૂછપરછ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : કાશ્મીરનું નામ બદલવાની તૈયારીમાં સરકાર, અમિત શાહે જણાવ્યું નવું નામ
હાઈ કોર્ટે કહ્યું કે ઇડીએ પોતે કબૂલ્યું છે કે પંવારને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ સમન્સ જારી કરવામાં આવ્યું હતું અને તે 19 જુલાઈ, 2024 ના રોજ ગુરુગ્રામમાં સવારે 11 વાગ્યે એજન્સી સમક્ષ હાજર થયા હતા અને તેની સતત 14 કલાક અને 40 મિનિટ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. 14 કલાકથી વધુ સમય સુધી સતત પૂછપરછ અમાનવીય છે. અમે આશા રાખીએ છીએ કે આવા કેસોમાં, ઈડી સુધારાત્મક પગલાં લેશે અને શંકાસ્પદ લોકો સામે એક વખતની તપાસ માટે અમુક વાજબી સમયમર્યાદાનું પાલન કરશે.