22 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને SC તરફથી રાહત…
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને 22 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે રાહત આપી હતી. અને કોર્ટે આદેશ આપ્યો હતો કે હાલમાં પાંચ અઠવાડિયા સુધી ધરપકડ વોરંટનો અમલ નહીં થાય. તેમજ કોર્ટે સુરજેવાલાને ચાર સપ્તાહની અંદર ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવા અને બિનજામીનપાત્ર વોરંટ રદ કરવા અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી.
નોંધનીય છે કે સુરજેવાલા વિરુદ્ધ વારાણસીમાં ચાલતા 22 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે તેઓ રાહત માટે હાઈ કોર્ટમાં કેમ ન ગયા? સુરજેવાલાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે અમે હાઈ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી હતી. પરંતુ હાઈ કોર્ટે કોઈ આદેશ આપ્યો નહોતો.
સિંઘવીએ કહ્યું હતું કે આ ઘટના વર્ષ 2000માં બની હતી, જ્યારે તેઓ યુથ કોંગ્રેસના અધ્યક્ષ હતા. અને અત્યાર સુધીમાં તેઓ ત્રણ વખત કોર્ટમાં હાજર પણ થયા છે.
નોંધનીય છે કે સાત નવેમ્બરના રોજ વારાણસીના વિશેષ ન્યાયાધીશ અવનીશ ગૌતમની અદાલતે મંગળવારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા વિરુદ્ધ કેસમાં સુનાવણી કરી હતી. કોર્ટે કોંગ્રેસના પ્રવક્તા રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરતા કહ્યું હતું કે વર્ષ 2000ના આ જૂના કેસનો સુપ્રીમ કોર્ટના આદેશ પર તાત્કાલિક નિકાલ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે બહુચર્ચિત સંવાસિની ઘટનામાં કોંગ્રેસના તત્કાલિન યુવા પ્રમુખ રણદીપ સિંહ સુરજેવાલા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ પર ધરપકડના વિરોધમાં કમિશનરેટ પરિસરમાં તોડફોડ કરવાનો અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.