
નવી દિલ્હી: ગુજરાતના અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારની આ યોજના સામે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કોર્ટમાં અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી (Supreme court rejected Tushar Gandhi Plea) દીધી હતી.
જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની બેન્ચે કહ્યું કે તેઓ આ અરજી પર સુનાવણી નહીં કરે, કેમ કે અરજી દાખલ કરવામાં બે વર્ષથી વધુનો વિલંબ થયો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીક બાબતો એવી છે જેમાં દખલ ન કરવી જોઈએ.
આપણ વાંચો: Sabarmati Ashram: PM Modiએ સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
તુષાર ગાંધીની દલીલ:
સામાજિક કાર્યકર્તા તુષાર ગાંધીએ અરજીમાં કહ્યું હતું કે ₹1,200 કરોડનો આ આ પ્રોજેક્ટ આશ્રમના મૂળ સ્વરૂપ અને તેની ઐતિહાસિક ઓળખને અસર કરશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટ આશ્રમની સાદગીનો નાશ કરશે. આ પ્રોજેક્ટ આશ્રમને ગાંધીવાદી મૂલ્યોથી દૂર રાજ્ય-નિયંત્રિત સ્મારકમાં ફેરવી દેશે.
આપણ વાંચો: સાબરમતી સ્ટેશન મોડિફિકેશનઃ ત્રણ દિવસ આટલી ટ્રેન રદ
હાઈ કોર્ટે અરજી ફગાવી હતી:
તુષાર ગાંધીએ વર્ષ 2021માં ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત આશ્રમના પુનર્વિકાસની યોજનાને ગુજરાત હાઇ કોર્ટમાં પડકારી હતી, પરંતુ તેમને ત્યાં પણ રાહત મળી ન હતી.
ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2022માં સાબરમતી આશ્રમના પુનર્વિકાસ પ્રોજેક્ટ પર રોક લગાવવાની મનાઈ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે સાબરમતી આશ્રમના મુખ્ય વિસ્તારમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આશ્રમને વધુ સારો દેખાવ આપવા માટે ફક્ત તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી દીધી હતી.
ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા સામે તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. એપ્રિલ 2022 માં, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો, જેમાં રાજ્ય સરકાર પાસેથી પ્રોજેક્ટ પર વિગતવાર જવાબ માંગવામાં આવ્યો અને અરજી પર પુનર્વિચાર કરવા કહ્યું. આ પછી મામલો ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો.
8 સપ્ટેમ્બર 2022ના રોજ, હાઈકોર્ટે ફરીથી અરજી ફગાવી દીધી અને કહ્યું કે આ પ્રોજેક્ટ મહાત્મા ગાંધીના વિચારો અને ફિલસૂફીને આગળ ધપાવશે અને સમાજ અને માનવતા માટે ફાયદાકારક રહેશે.
હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી, ગુજરાત સરકાર તેની પુનર્વિકાસ યોજના સાથે આગળ વધવા માટે સ્વતંત્ર છે. જોકે, ગાંધીવાદી વિચારધારા સાથે સંકળાયેલા ઘણા લોકો આ યોજનાથી નારાજ છે.