નેશનલ

Delhi-NCRમાં ફટાકડા નહીં જ ફૂટે! સુપ્રીમ કોર્ટે ગ્રીન ફાયરક્રેકર્સ અંગે પણ આપ્યો નિર્ણય

નવી દિલ્હી: ભારતની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદુષણ ગંભીર સમસ્યા (Delhi Air Pollution) છે. પ્રદુષણ ઘટાડવા માટે દિલ્હી-એનસીઆરમાં ઘણા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ છે, જેમાં છૂટ આપવા સુપ્રીમ કોર્ટમાં સમક્ષ માગ કરવામાં આવી હતી. આજે ફરી સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર છૂટ આપવાનો ઇનકાર (Supreme court on Fire crackers) કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વાયુ પ્રદૂષણનું સ્તર લાંબા સમયથી ચિંતાજનક સ્તરે છે.

આપણ વાંચો: દિલ્હીમાં પ્રદુષણ Very Poor કેટેગરીમાં, આજથી લાકડા અને કોલસા સળગાવવા પર પ્રતિબંધ

ફટાકડા ઉત્પાદકોએ ફટાકડા પર પ્રતિબંધ હટાવવા માટે દલીલ કરી હતી કે પ્રતિબંધને કારણે તેમના વેપાર અને આજીવિકાના અધિકારને અસર થાય છે, જોકે કોર્ટે આ દલીલ સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 51A હેઠળ ફટાકડાના વેપારીઓની એ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ છે કે દિલ્હી પ્રદૂષણ મુક્ત રહે.

બેન્ચે કહ્યું કે થોડા મહિના માટે જ પ્રતિબંધ લગાવવાનો કોઈ ફાયદો થશે નહીં કારણ કે ફટાકડા આખા વર્ષ દરમિયાન ફટાકડા વેચાશે અને પ્રતિબંધના સમયગાળા દરમિયાન તેનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં આવશે.

આપણ વાંચો: દિલ્હી-એનસીઆરમાં થઇ જોરદાર આતશબાજી, વાયુ પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું

નાગરીકોને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાના અધિકાર:

ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાની બેન્ચે જણાવ્યું હતું કે વસ્તીનો મોટો ભાગ રસ્તાઓ પર કામ કરે છે અને પ્રદૂષણથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. બેન્ચે કહ્યું કે પ્રદૂષણથી બચવા માટે દરેક વ્યક્તિ ઘરે કે કાર્યસ્થળ પર એર પ્યુરિફાયર ખરીદી શકે નહીં.

કોર્ટે કહ્યું, છેલ્લા 6 મહિનામાં આ કોર્ટ દ્વારા પસાર કરાયેલા અનેક આદેશોએ દિલ્હીમાં અતિશય પ્રદૂષણને કારણે સર્જાયેલી ભયંકર પરિસ્થિતિને રેકોર્ડ પર મૂકી છે. સ્વાસ્થ્યનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21નો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમ કે પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાના અધિકારનો પણ સમાવેશ થાય છે.

ગ્રીન ફાયરક્રેકર્સ પર પણ પ્રતિબંધ:

બેન્ચે કહ્યું કે ગ્રીન ફાયરક્રેકર્સથી ઓછામાં ઓછું પ્રદૂષણ થાય છે એ અંગે જ્યાં સુધી કોર્ટને ખાતરી ન થાય, ત્યાં સુધી પાછલા આદેશ પર પુનર્વિચાર કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. ગ્રીન ફાયર ક્રેકર્સને કોઈ અપવાદ આપી શકાય નહીં, તેના ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું સમયાંતરે આપવામાં આવેલા આદેશો દર્શાવે છે કે દિલ્હીમાં ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિને કારણે ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધો જરૂરી હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button