આવા કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા? જાણો શું છે મામલો

નવી દિલ્હી: ભારતની જેલોમાં ક્ષમતા કરવા ઘણાં વધુ કેદીઓને રાખવામાં આવ્યા હોવાના અહેવાલ અગાઉ પ્રકશિત થઇ ચુક્યા છે, આવી જેલોમાં ઘણાં દોષિતો તેમની સજા પૂરી થયા બાદ પણ કેદ હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે. એવામાં આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા હતાં.
એક કેસનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગૃહ સચિવોને નિર્દેશ આપ્યો કે તેઓ ખાતરી કરે કે સજાની મુદત પૂરી થયા બાદ કોઈ દોષિત જેલમાં છે કે નહીં, જો આવા કોઈ દોષિતો જેલમાં હોય અને જો તેઓ અન્ય કેસમાં સંડોવાયેલા ન હોય તો તેમને તાત્કાલિક છોડવામાં આવે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.વી. નાગરત્ન અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનની બનેલી બેન્ચે આ નિર્દેશો આપ્યા હતાં. બેન્ચે સજાનો સમયગાળો પૂર્ણ કરી ચુકેલા એક આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
શું છે મામલો:
બહુ ચર્ચિત નીતિશ કટારા હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો આપ્યા હતાં. કોર્ટે આ મામલામાં દોષિત ઠરેલા સુખદેવ પહેલવાનને છોડી મુકવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું દોષિતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, તેણે 20 વર્ષની સજા પૂર્ણ કરી છે, તેથી તેને છોડી મુકવામાં આવે.
સુખદેવ યાદવે 20 વર્ષની આજીવન કેદ માર્ચમાં પૂરી કરી હતી. સુખદેવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
દિલ્હી સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે સુખદેવ પહેલવાનને આપમેળે મુક્ત કરી શકાય નહીં. બેન્ચે કહ્યું કે આ માટે કોઈ અલગ આદેશ આપવાની જરૂર નથી. આવા આદેશની જરૂર ફક્ત એવા કિસ્સાઓમાં જ છે, જેમાં દોષિતને આખી જીંદગી જેલમાં રહેવાની સજા ફટકારવામાં આવી હોય.
કેદીઓને મુક્ત કરવા નિર્દેશ:
જે દોષિતો સજા પૂર્ણ કર્યા બાદ પણ જેલમાં કેદ છે એવા કેદીઓ અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી. બેન્ચે કહ્યું કે જેમણે સજા પૂર્ણ કરી છે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે આ આદેશની કોપી નેશનલ લિગલ સર્વિસ ઓથોરીટીને મોકલવા આવે, જે ડીસ્ટ્રીકટ લિગલ સર્વિસ ઓથોરીટીને મોકલવામાં આવે.
આપણ વાંચો: એરપોર્ટ પર પર્સનલ જ્વેલરી લઈ જતા પહેલા આ નિયમો જાણી લોઃ નહીંતર કામે લાગી જશો