સોશિયલ મીડિયા પર ‘નિયંત્રણો’ આવશે? CJI પર જૂતું ફેંકવા મામલે સુપ્રીમ કોર્ટે કરી આવી ટીપ્પણી

નવી દિલ્હી: થોડા દિવસો અગાઉ સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના બની હતી, જેની દેશભરમાં ટીકા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટનાને આઘાતજનક ગણાવી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે, આ દરમિયાન સુપ્રીમ કોર્ટ અને ન્યાયધીશો પર અપમાનજનક ટીપ્પણીઓ પણ થઇ રહી છે. એવામાં આજે સુપ્રીમ કોર્ટે કોઈ પણ નિયંત્રણ વગરના સોશિયલ મીડિયાના ખરાબ પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
CJI જૂતું ફેંકવાની ઘટના 6 ઓક્ટોબરના રોજ બની હતી. 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે કોર્ટરૂમમાં CJI તરફ જૂતું ફેંક્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ રાકેશ કિશોરનું લાઇસન્સ તાત્કલિક સસ્પેન્ડ કરી દીધું હતું. હવે રાકેશ કિશોર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરુ કરવા માટેની અરજી કરવામાં આવી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના વડા વિકાસ સિંહે ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચ સમક્ષ વિનંતી કરી હતી કે CJI ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરનાર એડવોકેટ રાકેશ કિશોર સામે કન્ટેમ્પ્ટ કેસની વહેલી સુનાવણી કરવામાં આવે.
સોશિયલ મીડિયા પર નિયંત્રણ લાદવા વિનંતી:
આ દરમિયાન વિકાસ સિંહે કહ્યું કે આ ઘટના બન્યા બાદ સોશિયલ મીડિયા ઉગ્ર ચર્ચા થઇ હતી, જેના કારણે કોર્ટની અખંડિતતા અને ગરિમાને નુકશાન પહોંચ્યું હતું.
તુષાર મહેતા અને વિકાસ સિંહે કોર્ટને સોશિયલ મીડિયા પર કેટલાક નિયંત્રણો લાદવાનો આદેશ આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
કોર્ટે કરી કડક ટીપ્પણી:
સોશિયલ મીડિયા અંગે બંનેની વિનંતી અંગે બેન્ચે કહ્યું કે વાણી અને અભિવ્યક્તિનો મૂળભૂત અધિકાર સંપૂર્ણ એટલે કે તમામ નિયંત્રણોથી મુક્ત નથી, અન્યની પ્રામાણિકતા અને ગૌરવના ભોગે તો નહીં જ. કોર્ટે કહ્યું કે કોઈ પણ નિયંત્રણ વગરનું સોશિયલ મીડિયાને કારણે ઘણા દુષ્પ્રભાવો તરફ દોરી જઈ શકે છે. આપણે કન્ટેટ બનાવનારા અને ગ્રહણ કરનારા છે.
જોકે, બેન્ચે કન્ટેમ્પના કેસની સુનાવણી તાત્કાલિક લીસ્ટ કરવાની મનાઈ કરી હતી. કોર્ટે કહ્યું, એક અઠવાડિયા પછી જોઈએ, હજુ ઘણાં મહત્વના મુદ્દાઓ બાકી છે.
આ પણ વાંચો…ED રાજ્યના અધિકાર છીનવી રહી છે; સુપ્રીમ કોર્ટે EDને ફરી ફટકાર લગાવી…