બિહાર ચૂંટણી પૂર્વે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: SIR પ્રક્રિયામાં હવે આધાર કાર્ડ ‘માન્ય’ રહેશે!

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી પહેલા અત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. બિહારમાં SIR પ્રક્રિયા મામલે આ ચુકાદો આપવામાં આવ્યો છે. હવે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં માન્ય મતદાર બનવા માટે આધાર કાર્ડ પણ માન્ય રહેશે તેવો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ પહેલા માન્ય મતદાર બનાવવવા માટે ‘આધાર કાર્ડ’ કોર્ટને માન્ય નહોતા.
SIR પ્રક્રિયામાં હવે આધાર કાર્ડ પણ માન્ય રહેશે
SIR પ્રક્રિયામાં માન્ય મતદાર બનાવવા માટે આધાર કાર્ડ માન્ય નહોતું, જેથી વિપક્ષે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ સંસદમાં પણ સંપૂર્ણ સત્ર દરમિયાન આ મામલે હોબાળો કરવામાં આવ્યો હતો. અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર કાર્ડને માન્યતા આપી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોર્ટે બિહારના તમામ રાજકીય પક્ષોને નિર્દેશ આપ્યો છે કે તેઓ તેમના BLOને ચૂંટણી પંચને સહયોગ આપવા સૂચના આપે, જેથી આ સમીક્ષા જલ્દી પૂર્ણ થઈ શકે છે!.
આ પણ વાંચો: રખડતા શ્વાનો મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ બદલ્યો; જાણો કોર્ટે શું કહ્યું
એસઆઈઆર પ્રક્રિયા માટે કયા ડોક્યુમેન્ટ માન્ય રહેશે?
બિહારમાં થાડા સમય બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. જેથી બિહારમાંથી ફેક મતદાતાને હટાવવા માટે એસઆઈઆર પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં મતદાતા બનવા માટે દરેક નાગરિકે એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ સાથે ચૂંટણી પંચ દ્વારા પાન કાર્ડ અને માર્કશીટ જેવા 11 પ્રકારના દસ્તાવેજો માન્ય રહેશે તેવું કહેવામાં આવ્યું હતું. આમાંથી કોઈ પણ એક દસ્તાવેજ સબમિટ કરીને ફોર્મની અધિકૃતતા સાબિત કરવાની હતી. પરંતુ મહત્વની અને ચોંકાવનારી વાત એ હતી તેમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ માન્ય નહીં હોય તેવું કહેવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચે બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી
જે આધાર કાર્ડને દરેક ફોર્મ માટે માન્ય ગણાવામાં આવે છે તેને જ માન્યતા નહોતી આપવામાં આવી હતી. જેથી વિરોધ પક્ષો દ્વારા આનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે પહેલી ઓગસ્ટના રોજ બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી હતી, તેમાંથી 65 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. કાઢી નાખવામાં આવેલા નામોમાં મૃતકો અને બે જગ્યાએ નોંધાયેલા લોકોનો સમાવેશ થાય છે. પરંતુ હવે આ પ્રક્રિયામાં આધાર કાર્ડને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા આપી દેવામાં આવી છે.