શું SC/ST વર્ગમાં પણ ‘ક્રિમી લેયર’ લાગુ થશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતમાં SC/ST અનામત વ્યવસ્થામાં મોટા ફેરફાર લાવવાની માંગ કરતી એક મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવીને કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો છે. આ કેસનો મુખ્ય ઉદ્દેશ્ય અનામતનો લાભ ખરેખર જે લોકો વંચિત છે તેમના સુધી પહોંચાડવાનો અને જેઓ આર્થિક કે સામાજિક રીતે સદ્ધર થઈ ગયા છે તેમને આ પ્રક્રિયામાંથી અલગ કરવાનો છે.
શું છે સમગ્ર મામલો?
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે નોટિસ જારી કરી છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે SC/ST વર્ગમાં પણ હવે ‘ક્રિમી લેયર’ (સદ્ધર પરિવારો) સિસ્ટમ લાગુ કરવી જોઈએ.
અરજદારોનું કહેવું છે કે અનામતનો મૂળ હેતુ પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો, પરંતુ હાલની સ્થિતિમાં અમુક ચોક્કસ પરિવારો જ પેઢી દર પેઢી આનો લાભ મેળવી રહ્યા છે, જેના કારણે છેવાડાના માનવીને અન્યાય થઈ રહ્યો છે.
અરજીમાં ખાસ કરીને એ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો કોઈ પરિવારમાં વ્યક્તિ એકવાર સરકારી નોકરી અથવા બંધારણીય હોદ્દો મેળવી લે છે, તો તેના સંતાનોને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. દલીલ એવી છે કે ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા પછી તે પરિવાર સામાજિક અને આર્થિક રીતે સદ્ધર બની જાય છે. જો આવા પરિવારો વારંવાર અનામતનો ઉપયોગ કરતા રહેશે, તો જે લોકો હજુ પણ ગરીબ છે અને પછાત છે, તેમના માટે તકો મર્યાદિત બની જશે.
નોંધનીય છે કે આ અગાઉ પણ પૂર્વ સીજેઆઈ બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચે SC/ST અનામતમાં ક્રિમી લેયર લાગુ કરવા અંગે અનેક ટિપ્પણીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટ હવે એ તપાસ કરી રહી છે કે શું આ વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂર છે કે નહીં.
હવે પછીની સુનાવણીમાં સરકારોના જવાબ બાદ એ નક્કી થઈ શકે છે કે ભવિષ્યમાં SC/ST અનામતનું માળખું કેવું હશે અને શું તેમાં ઓબીસીની જેમ જ આવક મર્યાદા કે અન્ય માપદંડો દાખલ કરવામાં આવશે.



