નેશનલ

મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, સંદેશખાલી કેસની CBI તપાસ ચાલુ રહેશે, HCના આદેશ પર સ્ટે નહીં

સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી પશ્ચિમ બંગાળ સરકારને ત્યાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ પર હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા સરકારને સવાલ કર્યો હતો કે તેણે 50 દિવસ સુધી ધરપકડની કાર્યવાહી કેમ ન કરી? જેના પર બંગાળ સરકારે કહ્યું હતું કે આદેશમાં કોઈ સ્પષ્ટતા નહોતી અને કોર્ટે તપાસ પર રોક લગાવી દીધી હતી. કોર્ટે તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાના અને શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. રાજ્ય સરકાર માટે એકમાત્ર રાહત એ છે કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં રાજ્ય પોલીસ અને સરકાર સામે કરેલા અવલોકનો કાઢી નાખવા સંમતિ આપી છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ સમક્ષ પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું હતું કે રાજ્ય સરકાર પર તપાસમાં વિલંબ કરવાનો આરોપ છે, જ્યારે અમે ફરિયાદ દાખલ થયાના પહેલા જ દિવસથી તપાસ કરી રહ્યા છીએ. રાજ્ય સરકારે કહ્યું હતું કે મીડિયાના દબાણને કારણે હાઈકોર્ટે નિર્ણય લીધો અને તપાસ પર રોક લગાવી હતી અને તથ્યોની તપાસ નહોતી કરી. સરકારે જણાવ્યું હતું કે આરોપી શાહજહાં શેખની 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તપાસમાં ઝડપ આવી ગઈ છે.


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો જાન્યુઆરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 7 ફેબ્રુઆરીએ એફઆઈઆર નોંધવામાં આવી હતી, તો 50 દિવસ સુધી તેની ધરપકડ નહીં કરતા રાજ્ય સરકારના ઈરાદા પર સવાલો ઉભા થયા છે. ED/CBI તરફથી હાજર રહેલા ASG SV રાજુએ કહ્યું હતું કે આ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન રાશન એટલે કે PDS સ્કેમ સંબંધિત આ કેસ છે. આમાં મમતા સરકારના પ્રધાનો પણ આરોપી છે. જ્યારે EDની ટીમ તપાસ કરવા ગઈ ત્યારે તેમના પર હુમલો થયો હતો, જેમાં EDના ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. રાજુએ એમ પણ દલીલ કરી હતી કે લગભગ બે મહિના સુધી શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી ન હતી કારણ કે સ્થાનિક વહીવટીતંત્ર અને નેતાઓ તેને સુરક્ષા આપતા હતા.


બેન્ચે સિંઘવીની દલીલોને અવગણીને સીબીઆઈ તપાસના HCના આદેશ પર સ્ટે મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંદેશખાલી કેસની CBI તપાસ ચાલુ રહેશે. આ બાબતને મમતા સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button