સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વચગાળાના જામીન 8 જાન્યુઆરી સુધી લંબાવ્યા
નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ અદાલતે મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. તેમની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે તેમની વચગાળાના જામીન 8 જાન્યુઆરી સુધી લંબાવ્યા છે. આ પહેલા આજે જૈનના વકીલે પણ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર સુનાવણી મોકૂફ કરવાનો ઇનકાર કરી દીધો છે. ગુરુવારે જૈન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અગાઉ કેસની સુનાવણી અન્ય બેંચ દ્વારા કરવામાં આવી રહી હતી અને આજે તે જસ્ટિસ બેલા ત્રિવેદી સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે જ્યારે જજ સમક્ષ મામલો લિસ્ટ થશે ત્યારે તેઓ નિર્ણય લેશે.
નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈન મની લૉન્ડરિંગ કેસના આરોપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમના જામીન રદ કરવાની માગણી કરી હતી. ઇડીએ તો જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને આત્મસમર્પણ કરવા કહેવું જોઇએ. સત્યેન્દ્ર જૈન લગભગ છ મહિનાથી મેડિકલ ગ્રાઉન્ડ પર જેલની બહાર છે. 26મી મેના રોજ તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. હવે ફરી સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર તેમના વચગાળાના જામીનમાં વધારો કર્યો છે. હવે તેમના કેસની આગામી સુનાવણી 8 જાન્યુઆરીએ થશે.