ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા પ્રોફેસરને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા , મૂકી આ શરતો

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા પ્રોફેસરને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે અશોકા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે હરિયાણા સરકારને નોટિસ પણ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને શરતી જામીન આપી છે.
ખૂબ જ સરળ ભાષામાં તમારો મુદ્દો કહી શક્યા હોત
અશોકા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન વતી સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ કપિલ સિબ્બલ હાજર રહ્યા. અલી ખાનની પોસ્ટની ભાષા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમને ખાતરી છે કે તે ખૂબ જ શિક્ષિત છો તમે બીજાઓને દુઃખ પહોંચાડ્યા વિના ખૂબ જ સરળ ભાષામાં તમારો મુદ્દો કહી શક્યા હોત. તમે એવા શબ્દોનો ઉપયોગ કરી શક્યા હોત જે સરળ અને આદરપૂર્ણ હોય.
સોનીપત કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે
પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને વચગાળાના જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તેઓ તપાસ હેઠળની બે પોસ્ટ્સ સંબંધિત કોઈપણ ઓનલાઈન લેખ કે ભાષણ નહીં લખે. આ ઉપરાંત યુદ્ધ સંબંધિત કોઈ પોસ્ટ નહિ લખે તેમજ સોનીપત કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે.
તપાસમાં ભાગ લેવા માટેની સૂચનાઓ
સુપ્રીમ કોર્ટે પ્રોફેસર અલી ખાનને ભારત પર થયેલા આતંકવાદી હુમલાઓ અથવા ભારત દ્વારા લેવામાં આવેલી બદલાની કાર્યવાહી અંગે કોઈપણ ટિપ્પણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે ત્રણ આઇપીએસ અધિકારીઓની બનેલી એસઆઇટી ની રચના કરવાનો આદેશ આપ્યો છે. જેમાં એક મહિલા અધિકારીનો પણ સમાવેશ થશે જે રાજ્યની બહારની હશે. સુપ્રીમ કોર્ટે 24 કલાકમાં એસઆઇટીની રચના પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે અને પ્રોફેસરને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા જણાવ્યું છે.
આપણ વાંચો: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણ મિનિટમાં તબાહ કરી 13 દુશ્મન ચોંકી
તટસ્થ ભાષાનો ઉપયોગ કરી શકાયો હોત
આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કાંતે કહ્યું કે દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. શું આ બધા વિશે વાત કરવાનો સમય છે? તેમણે વધુમાં કહ્યું, એક પ્રોફેસર હોવાને કારણે, તેમની પાસે શબ્દોની કમી ન હોવી જોઈએ. તેઓ એવી ભાષાનો ઉપયોગ કરી શકે છે જે બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચાડે, તટસ્થ ભાષાનો ઉપયોગ કરી શકાયો હોત.
રાજ્ય મહિલા આયોગે પણ પ્રોફેસરને નોટિસ ફટકારી
ઉલ્લેખનીય છે કે, 18 મેના રોજ પોલીસે દિલ્હીથી એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમુદાબાદની ધરપકડ કરી હતી. તેમના પર ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ હતો. હરિયાણા રાજ્ય મહિલા આયોગે પણ તાજેતરમાં એસોસિયેટ પ્રોફેસરને નોટિસ ફટકારી હતી.