સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને આપી રાહત, વચગાળાના જામીન 6 નવેમ્બર સુધી લંબાવ્યા
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન 6 નવેમ્બર સુધી લંબાવ્યા છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન લંબાવવાની અરજી મંજુર કરી હતી. હવે સત્યેન્દ્ર જૈનના નિયમિત જામીન પર સુપ્રીમ કોર્ટમાં 6 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે 26 મેના રોજ દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને ખરાબ તબિયતના આધારે 6 અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા હતા. જે બાદ એપોલો હોસ્પિટલમાં સત્યેન્દ્ર જૈનનું લોઅર સ્પાઇનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારથી તેઓ સતત જામીન પર જેલની બહાર છે.
24 ઓગસ્ટ, 2017 ના રોજ સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની વિવિધ કલમો હેઠળ સત્યેન્દ્ર જૈન, પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સુનિલ કુમાર જૈન, વૈભવ જૈન અને અંકુશ જૈન વિરુદ્ધ FIR નોંધી હતી. આ એફઆઈઆરના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સત્યેન્દ્ર વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.