મતદાર યાદીમાંથી નામ કપાયું?: સુપ્રીમ કોર્ટનો બિહાર કાનૂની સેવા સત્તામંડળને મફત કાનૂની સહાયતા આપવાનો નિર્દેશ | મુંબઈ સમાચાર
નેશનલ

મતદાર યાદીમાંથી નામ કપાયું?: સુપ્રીમ કોર્ટનો બિહાર કાનૂની સેવા સત્તામંડળને મફત કાનૂની સહાયતા આપવાનો નિર્દેશ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણી પંચની પ્રક્રિયાઓમાં ખામીઓ ઉજાગર કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે બિહાર કાનૂની સેવા સત્તામંડળને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. કોર્ટે સંબંધિત અધિકારીઓને મતદારોને મદદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આપણ વાંચો: SCના આદેશ બાદ ચૂંટણી પંચ હરકતમાં, મતદાન યાદીમાંથી હટાવેલા નામની યાદી જાહેર

કાનૂની સલાહ અને સહાયક સ્વયંસેવકોની મદદ મળવી જોઈએ

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે બિહારની અંતિમ મતદાર યાદીમાંથી જે વ્યક્તિઓના નામ દૂર કરવામાં આવ્યા છે તેમને મફત કાનૂની સહાય અને પેરાલીગલ સ્વયંસેવકો ઉપલબ્ધ કરવામાં આવે જેથી તેઓ તેમના નામ દૂર કરવા સામે અપીલ દાખલ કરી શકે. કોર્ટે કહ્યું હતું કે 3.7 લાખ પ્રભાવિત વ્યક્તિઓને સ્વયંસેવકો પાસેથી કાનૂની સલાહ અને સહાયક સ્વયંસેવકોની મદદ મળવી જોઈએ.

અંતિમ મતદાર યાદીમાંથી બહાર કરનારાએ એસઆઈઆર કવાયતને પડકારી

કોર્ટમાં વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે અરજીકર્તા એનજીઓ ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’, જેણે બિહાર એસઆઈઆર કવાયતને પડકારી હતી. તેણે એક વ્યક્તિની ખોટી વિગતો આપી છે, જેણે દાવો કર્યો હતો કે તેનું નામ અંતિમ મતદાર યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે.

દ્વિવેદીએ જણાવ્યું હતું કે એનજીઓએ સોગંદનામામાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો તેનું નામ ડ્રાફ્ટ યાદીમાં નહોતું અને તેમણે જે વિગતો આપી હતી તે કોઈ મહિલાની હતી. વિગતો વાંચ્યા બાદ ખંડપીઠે કહ્યું હતું કે “અમને આશ્ચર્ય થાય છે કે શું આવી વ્યક્તિ અસ્તિત્વમાં છે.”

આપણ વાંચો: ‘બિહારની ચૂંટણીમાં વોટ ચોરી નહીં કરવા દઈએ’: વોટર અધિકાર યાત્રા વખતે રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

16 ઓક્ટોબરના આગામી સુનાવણી પર વિચાર કરવામાં આવશે

એનજીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે તેમને આ વિગતો ખૂબ જ જવાબદાર વ્યક્તિએ આપી હતી. જે મતદાતાએ દાવો કર્યો છે કે તેનું નામ બિહારની અંતિમ મતદાર યાદીમાં નથી તેનું નામ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શોધવામાં આવ્યું છે. બેન્ચે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આની આશા નહોતી અને સ્પષ્ટ કર્યું હતું કે તે કેટલીક ટિપ્પણીઓ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસઆઈઆર પ્રક્રિયા પછી મતદાર યાદીમાંથી હટાવવામાં આવેલા મતદારોની અપીલો પર નિર્ધારિત સમયમર્યાદામાં અને તર્કસંગત આદેશ સાથે લેવાના નિર્ણય પર 16 ઓક્ટોબરના આગામી સુનાવણી પર વિચાર કરવામાં આવશે.

આપણ વાંચો: વિપક્ષનું ઉગ્ર પ્રદર્શન: રાહુલ ગાંધીની અટકાયત પછી ફરી ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર…

મતદારોને મદદ કરવા માટે પેરા-લીગલ સ્વયંસેવકોની યાદી જાહેર કરશે

જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારી અપીલ દાખલ કરીને બાકાત રાખવામાં આવેલા મતદારોને મદદ કરવા માટે પેરા-લીગલ સ્વયંસેવકોની યાદી જાહેર કરશે અને ખાતરી કરશે કે તેમની પાસે તેમના નામ હટાવ્યાનો વિગતવાર આદેશ હોય.

ખંડપીઠે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે દરેકને અપીલ કરવાની યોગ્ય તક આપવામાં આવે અને તેમની પાસે તેમના નામ શા માટે બાકાત રાખવામાં આવ્યા છે તે અંગે વિગતવાર આદેશો હોવા જોઈએ. તે એક લાઈનનો રહસ્યમય આદેશ ના હોવો જોઈએ. દ્વિવેદીએ કહ્યું હતું કે એનજીઓ અને અન્ય અરજદાર યોગેન્દ્ર યાદવે મોડી બપોર સુધી તેમના સોગંદનામા દાખલ કર્યા છે અને ચૂંટણી પંચને તેનો જવાબ દાખલ કરવાનો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button